મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરમાં પવિત્ર સંબંધોને શર્મશાર કરતા બે દુષ્કર્મના બનાવો પ્રકાશમાં આવ્યા છે. જેમાં રાજકોટમાં સગા વિધવા બહેનનો દેહ અભડાવ્યો હોવાની અને બહેનપણીના પરિણીત ભાઈએ સગીરાને હવસનો શિકાર બનાવી હોવાની બે ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા ચકચાર મચી ગયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને કલંકિત કરતો એક બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટમાં દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર રહેતી 45 વર્ષની મહિલાએ ગોકુલધામ નજીક આવેલા ગોકુલનગરમાં રહેતા સગા ભાઈ ભુપત નાનજી ધોળકિયા વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. હવસખોર ભાઈની વાસનાનો ભોગ બનેલી બહેને પોલીસ સમક્ષ પોતાની આપવીતી વર્ણવતાની સાથે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેણીના 25 વર્ષ પૂર્વે લગ્ન થયા હતા.

લગ્ન જીવન દરમિયાન 16 વર્ષ પૂર્વે પતિનું મૃત્યુ નિપજતા ભાઈ ભુપત બહેનને ગોકુલનગરમાં લઈ ગયો હતો. તેણી માતા પિતા સહિતના પરિવાર સાથે રહેતી હતી. આ દરમિયાન ભૂપતે બહેન પાસે શરીર સંબંધની માંગણી કરી બળજબરીથી શરીર સબંધ બાંધ્યો હતો. તેણી માવતરમાં દોઢ વર્ષ રોકાણી તે દરમિયાન ભૂપતે 10 થી 15 વખત હવસનો શિકાર બનાવી હતી. બાદમાં તેણીનું દિયર સાથે દિયર વટુ વાળવામાં આવ્યું હતું. હવસખોર ભુપત ત્યાર બાદ પણ તેણીના ઘરે જઈ દુષ્કર્મ આચરતો હતો. સગા ભાઈની વાસનાનો ભોગ બનેલી બહેને અંતે રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હવસખોર ભૂપતને ઝડપી લઇ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

આ ઉપરાંત બીજા બનાવમાં શહેરના માયાણીનગર પાસે આવેલા ચામુંડાનગરમાં રહેતા મેહુલ ડુંગર સોલંકી નામના શખ્સ વિરુદ્ધ યુવતીએ માલવીયનગર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની આજથી આશરે અઢી વર્ષ પહેલાં સગીર વયની હતી. ત્યારે આરોપી મેહુલ સોલંકીની બહેન સાથે મિત્રતા હોવાથી તેની બહેનપણીના ઘરે અવારનવાર જતી હતી. તે દરમિયાન તેણીને બહેનપણીના ભાઈ મેહુલ સોલંકી સાથે આંખ મળી જતા આરોપીએ તેણીને લગ્નની લાલચ આપી અવાર નવાર ઘરે બોલાવી દુષ્કર્મ આચરતો હતો. બાદમાં આરોપી પરિણીત અને બે સંતાનનો પિતા હોવાની ભોગ બનનારને જાણ થતાં તેણીએ સબંધ રાખવાની ના પાડતા આરોપી મેહુલ સોલંકીએ તેણીના લગ્ન નહિ થવા દેવા અને તેણીના અશ્લીલ વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હોવાનું આ ફરિયાદમાં જણાવાયું છે. જેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.