મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં એક 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યાની ધૃણાસ્પદ ઘટના બની છે.  આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં રાત્રીના સમયે શ્રમજીવી પરિવારની બાળકીને શખ્સ ગોદડામાં લપેટીને તે ને ખભે નાખી લઈ જતો દેખાય છે. કલાક જેટલા અંદાજીત સમય બાદ બાળકી દોડતી દોડતી પાછી જતી પણ સીસીટીવીમાં દેખાય છે. પોલીસે પણ જ્યારે આ ઘટના અંગે જાણ્યું તો તમામ ડગી ગયા હતા.

રાજકોટનાં ડીસીપી, રવિ મોહન સૈનીનાં જણાવ્યાં પ્રમાણે, પરિવારે રાતે જોયું તો દીકરી સુતી હતી ત્યાં ન હતી તેમના ઝૂંપડાની આસપાસ પણ ન હતી. જે બાદ દીકરી મળી હતી. આ કેસમાં આરોપી સામે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધાયો છે. હાલ ત્રણ સીસીટીવી ફૂટેજ મળ્યાં છે. આ કેસમાં રાજકોટ પોલીસની સાથે ક્રાઇમ બ્રાંચની પોલીસે મળીને વિવિધ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ આરોપીની ચોક્કસ માહિતી આપનારને 50 હજાર રુપિયાનું ઇનામ નક્કી કરવામાં આવ્યું છે.

જીગ્નેશ મેવાણીએ આ અંગે નિવેદન કરતાં કહ્યું કે, રાજકોટમાં આઠ વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું અને રાજ્યનાં મુખ્યમંત્રીએ આ અંગે રાજ્યની મહિલા દીકરીઓનાં બળાત્કાર અંગે કોઇ નિવેદન કરવામાં નથી આવ્યું, હેલ્મેટ ન પહેરવાને કારણે રાજકોટ પોલીસને 50 લાખ રૂપિયાનુ ટાર્ગેટ આપવામાં આવ્યું છે. રાજકોટમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કઇ રીતે કથળી ગઇ છે તે આ બધા વરવા દાખલા પરથી જાણી શકાય છે. મુખ્યમંત્રી આ વખતે આ દુષ્કર્મ પીડિતાને મળે.'

રાજકોટ શહેરનાં 80 ફુટના રોડ ઉપર ઝૂંપડામાં સૂતો હતો, તે સમયે તેમની દીકરીનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હતું. અપહરણકારે બાળકીને 80 ફૂટ રોડ ઉપર આવેલા નાળા નીચે લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. બાળકીના શરીરના અનેક ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે બાળકીને તેના ઝૂંપડાથી દુર મૂકી ભાગી છૂટ્યો હતો. જે બાદ દોડતી દોડતી પોતાના પરિવાર પાસે પહોંચી ગઇ હતી અને તેની સાથે બનેલી તમામ ઘટના પરિવારને જણાવી હતી. પોલીસે હાલ આ ઘટનામાં આરોપીની માહિતી આપનારને 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે.