મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ગત શનિવારે શહેરના કુવાડવા રોડ ઉપર એક યુવકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં આ હત્યાનો ભેદ ઉકેલી ઘટનાને અંજામ આપનાર બે ઈસમોને ઝડપી પાડ્યા છે. જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન બહેનની બાતમી આપ્યાની આશંકાએ યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, હત્યાની ઘટના દરમિયાન એક ઈંડાની લારીવાળો હાજર હોવાથી આરોપીઓની ઓળખ થઈ હતી. અને ચોક્કસ માહિતીનાં આધારે પોલીસે કમલેશ વાડોદરિયા તેમજ ગોપાલ સોલંકી નામના બંને આરોપીને ઝડપી લીધા છે. આરોપીઓનાં કહેવા મુજબ, થોડાક વર્ષો પહેલા પોરબંદર પોલીસે કમલેશની બહેનને ચોરીનાં ગુનામાં ઝડપી લીધી હતી. બાદમાં કોઈ કારણોસર તેણીએ લોકઅપમાં આપઘાત કરતા બનેવીએ પણ મોતને વ્હાલું કરી લીધું હતું.


 

 

 

 

 

બહેનના ઝડપાઈ જવા બાબતે મૃતક મુકેશે જ બાતમી આપી હોવાની કમલેશને આશંકા હતી. આ મામલે જ બંનેના પરિવારો વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખટરાગ ચાલતો હતો. આ બાબતનો ખાર રાખીને ગત શનિવારે કમલેશ મુકેશને ઘટનાસ્થળે લઈ ગયો હતો. બાદમાં ગોપાલ સાથે મળી પથ્થરનાં ઘા ઝીંકી તેનું કાસળ કાઢી નાખ્યું હોવાની કબૂલાત પણ આરોપીઓએ આપી છે. જેને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.