મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: મોટામૌવા નજીકનાં ભારતનગર આવાસ યોજના કર્વાર્ટરના ચોથા માળે રહેતી અને 3 મહિના અગાઉ પ્રેમલગ્ન કરનાર યુવતિએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. 24 વર્ષીય નેહા નીલેશભાઈ વાઘેલા નામની આ યુવતિ બપોરનાં સમયે એકલી હતી ત્યારે આ પગલું ભરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બંનેના પ્રેમલગ્ન હોવા છતાં રોજિંદી રકઝક થતી હતી. જેમાં કપડાં અને ઘરકામ અંગે પોતે ઠપકો આપતો હોય તેણીએ છેલ્લું પગલું ભરી લીધું હોવાની આશંકા પતિ નિલેષે વ્યકત કરી છે. હાલ તો મૃતકની લાશને પોસ્ટમોર્ટમમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, નેહા અને નીલેશ વચ્ચે ચારેક વર્ષ પહેલાં પ્રેમ સંબંધ બંધાયો હતો. બન્ને જુદી જ્ઞાાતિના હોવા છતાં લગ્ન કરવા માટે પરિવારો સહમત થયા હતા. અને ત્રણ માસ પહેલાં જ તેમણે પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા. જેમાં નેહા પૂમાના શોરૂમમાં અને નિલેષ રિલાયન્સ મોલમાં નોકરી છે. ગુરુવારે સવારે નજીકમાં રહેતા નીલેશના બહેન, નેહા તેમજ નિલેષે સાથે નાશ્તો કર્યો હતો. બાદમાં નિલેષ નોકરીએ ગયો હતો. અને નેહાને રજા હોવાથી ઘરનાં કામ પતાવવા લાગી હતી.


 

 

 

 

 

 

બાદમાં બપોરે નિલેષે ફોન કર્યા હતા. પણ નેહાએ ફોન રિસીવ ન કર્યા એટલે તેણે તેના પરિવારજનોને જાણ કરી હતી. ત્યારે નેહાએ ઘરમાં છત સાથે પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ લીધાની જાણ થઈ હતી. જો કે અંદરથી બંધ હોવાને કારણે દરવાજો પણ તોડવો પડયો હતો. નિલેષનાં કહેવા મુજબ, નેહા મોબાઈલ જોતી ત્યારે તેને પહેલાં ઘર કામ કરવા ઠપકો આપતો, કપડાં પહેરવા અંગે પણ તે ટોકતો, આ પ્રકારે રોજિંદી બાબતે બન્ને વચ્ચે અવારનવાર બોલાચાલી અને ઝઘડા થતાં હતા. જેને લઈને નેહાએ આ પગલું ભર્યું હોવાની આશંકાએ પોતે પણ ભાંગી પડ્યો હોવાનું પોલીસે કહ્યું છે.

[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]