મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરનાં કાલાવડ રોડ પરનાં એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની 13 વર્ષની માસૂમ પુત્રીને પરિચિત એવા 12-12 વર્ષના બે ટાબરીયા શ્વાનને રમાડવાના બહાને અગાશી પર લઇ ગયા હતા. જ્યાં શારીરિક અડપલાં કરી બળજબરી કર્યાની ચોંકાવનારી ઘટના પોલીસ સુધી પહોંચી છે. સાથે પીડીતાના ભાઇ સાથે બન્ને ટાબરીયાને ઝઘડો થયો હોઈ તેની દાઝ રાખીને આવું કૃત્ય કરાયું હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ મહિલા પોલીસ મથકનાં અધિકારીઓ દ્વારા પીડીતાનું કાઉન્સેલીંગ શરૂ કરાયું છે. તેમજ મામલો સ્પષ્ટ થયા પછી ગુનો નોંધવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટનાં કાલાવડ રોડ પર મોટામૌવા વિસ્તારના એક એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારની 13 વર્ષની પુત્રી પોતાના બે પાળતુ શ્વાન સાથે લટાર મારવા નિકળી હતી. આ દરમિયાન એપાર્ટમેન્ટમાં જ રહેતા 12-12 વર્ષના બે ટાબરીયાએ શ્વાન સાથે અગાસીમાં રમવા બોલાવતા નિર્દોષ તરૂણી શ્વાનને લઇને એપાર્ટમેન્ટની અગાસી પર ગઇ હતી. થોડીવાર સુધી બન્ને ટાબરીયાએ શ્વાન સાથે રમત રમવાનો ડોળ કરતા-કરતા અચાનક અગાસીનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.


 

 

 

 

 

ત્યારબાદ બન્ને ટાબરીયાએ તરૂણી સાથે બળજબરીનો પ્રયાસ કરી અડપલાં કરતા તેણી ભયથી ધ્રુજી ઉઠી હતી. છતાં જેમતેમ કરીને અગાસીનો દરવાજો ખોલીને નીચે ઉતરી સીધી ઘરે પહોંચી હતી. ભયભીત તરૂણીએ તેની સાથે જે કાંઇ બન્યું એ અંગે માતાને જાણ કરી હતી. પુત્રીએ રડતા રડતા જણાવેલી વિતક સાંભળીને માતા હતપ્રભ બની ગઇ હતી અને તુરંત પતિને જાણ કરી હતી. પરિવારના વડીલો સાથે ચર્ચા કર્યા પછી કાનૂની કાર્યવાહીનો નિર્ણય કરી પીડીતાને લઇને તેના માતા-પિતા મહિલા પોલીસ મથક પહોંચ્યા હતા.

પીડીતાની ફરિયાદ સાંભળીને અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. જો કે હાલ પીડીતા ડિપ્રેશનમાં હોવાથી ત્રુટક ત્રુટક વર્ણન કરે છે. બીજી તરફ બન્ને ટાબરીયાને તરૂણીના ભાઇ સાથે ઝઘડો થયો હોવાથી બદલો લેવા તેઓ આવો ગંભીર ગુનો આચરી બેઠાની વિગતો પણ સામે આવી રહી છે. આ સંજોગોમાં તરૂણી સાથે શું બન્યું? એ જાણવા મહિલા પોલીસ અધિકારી અને સ્ટાફ દ્વારા પીડિતાનું કાઉન્સેલીંગ શરૂ કરવામાં આવ્યું છે. જરૂર જણાવે તરૂણી અને બન્ને ટાબરીયાના મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવશે.