મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરના ખોખડદડ પુલ નજીક રહેતો સલીમ દાઉદભાઈ અજમેરીને પ્રેમલગ્ન કરનાર પત્ની મીરાબેન સાથે કહ્યા વિના માવતરે સગાઈ પ્રસંગમાં જતા બંનેનો ઝઘડો થયો હતો. જેના સમાધાન માટે સાળા સહિતના ગયા હતા. પરંતુ આરોપી સાળા સાથે સલીમને ઝઘડો થતા મીરાના કૌટુંબિક ભાઈઓ એકઠા થઇ ગયા હતા. અને ઘરમાં ઘુસી છરી, તલવાર, ધારિયા, કુહાડી, ધોકા, પાઇપ ફટકારી ઘરમાં જ સલીમને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

સમગ્ર મામલે મૃતકના ભાઈ અકરમે થોરાળા પોલીસમાં હત્યા, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે જુદી-જુદી ટિમો દોડાવી હતી. અને ધારિયું મારનાર સાજન પ્રતાપભાઈ સોલંકી, છરી મારનાર વિજય ઉર્ફે વીજલો પ્રભાતભાઈ સોલંકી, કુહાડી મારનાર સંજય ઉમેશભાઈ રાઠોડ, તલવાર મારનાર કેવલ ભરતભાઈ કાવીઠિયા, પાઇપ મારનાર અશ્વિન ઉર્ફે અની સુરેશ સોલંકી, તલવાર-ધોકાથી માર મારનાર અનિલ ઉર્ફે બચુ પ્રભાતભાઈ સોલંકી અને દિનેશ ઉર્ફે કાળીયો કિશનભાઇ સોલંકીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ 

સલીમની હત્યાનાં ગુનામાં ઝડપાયેલા પૈકી વિજય ઉર્ફે વીજલો પ્રભાતભાઈ સોલંકી સામે બે હત્યા, હત્યાની કોશિષ, દારૂ, મારામારી, હથિયાર સહિતના 17 ગુના નોંધાઈ ચુક્યા છે. જયારે સંજય રાઠોડ સામે અગાઉ દારૂ-મારામારીના 2 ગુના નોંધાઈ ચુક્યા છે. એટલું જ નહીં હત્યાનો ભોગ બનનાર મૃતક સલીમ અજમેરી સામે પણ દારૂ તેમજ મારામારી સહીતનાં કુલ 11 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.