મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ગઈકાલે રૂખડીયા પરા ફાટક નજીક પતિએ પત્ની અને મામાજીની હત્યા કર્યા બાદ બે બાળકોને સાથે રાખીને અગ્નિસ્નાન કર્યું હતું. આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા ઈમરાન અને તેના બંને પુત્રોનું આજે મોત નિપજ્યુ છે. જેને લઈને ગણતરીના કલાકોમાં આખો પરિવાર હતો ન હતો થઈ ગયો છે. 

બનાવની વિગત અનુસાર રાજકોટમાં રહેતા ઈમરાન પઠાણ અને તેની પત્ની નાઝિયા વચ્ચે પારિવારિક ઝઘડો ચાલતો હતો. અંતે બંનેએ છૂટાછેટા લેવાનો નિર્ણય લીધો હતો. કોર્ટમાં કેસ ચાલતો હતો, પરંતુ બાળકોની કસ્ટડી કોણ લેશે એ મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આખરે ઈમરાનના ગુસ્સાએ લોહિયાળ ખેલ ખેલ્યો હતો. ગુરુવારના રોજ સવારે નાઝિયાએ પોતાના પતિની ફરિયાદ ૧૮૧ અભયમમાં કરી હતી. જેના કારણે પોલીસે પતિ ઇમરાનને પૂછપરછ માટે બોલાવ્યો હતો. 

પોલીસમાં કરેલી ફરિયાદનો ખાર રાખી ઇમરાન તેની પત્ની તેના મામાજી અને તેની સાસુ પાસે પહોંચ્યો હતો. ક્ષણભરની બોલાચાલી બાદ મામલો બેવડી હત્યા સુધી પહોંચી ગયો. હિલા પોલીસ સ્ટેશનથી બધાં નીકળ્યાં ત્યારે પાછળથી ઈમરાને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં પત્ની અને મામાનાં મોત થયાં હતાં, જ્યારે સાસુ ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

ઈમરાન આટલેથી અટક્યો ન હતો. અહીંથી તે પોતાના બંને બાળકો પાસે પહોચ્યો હતો. જ્યાં બે બાળકો સાથે પોતાની જાતને સળગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે દાઝેલા ઈમરાન અને બંને બાળકોનું પણ આજે મોત નિપજ્યું છે. આમ, એક પિતાના ગુસ્સાનું લોહિયાળ પરિણામ આવ્યું છે. જેમાં એકસાથે 5-5 લોકોના મોતથી શહેરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.