મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરના ચુનારાવાડનાં શિવાજીનગરમાં એક પુત્રએ પિતાની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. જેમાં નશામાં ચૂર હાલતમાં માતા સાથે ઝઘડો કરતાં પિતાને પુત્રએ છરીનાં આડેધડ ઘા ઝીંકતા સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. જો કે બાદમાં માતા અને નાના પુત્રએ બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલી આરોપી પુત્રને ઝડપી પાડ્યો છે. 

પોલીસનાં જણાવ્યા મુજબ ચુનારાવાડ શિવાજીનગર શેરી નં. 21માં રહેતો રાજુ ઉકાભાઈ મકવાણા આજે સવારે પોતાના ઘરે હતો. ત્યારે પત્ની ગીતાબેન સાથે ઝઘડો થયો હતો. અને સોનાના બુટીયાની માંગણી કરી છરી લઇ પાછળ દોડતા ગીતાબેન ઘરની બહાર દોડી ગયા હતા. દરમિયાન બંનેનો નાનો પુત્ર રોહિત આવી જતા તેણે પિતાનાં હાથમાંથી છરી ઝૂંટવી લઈ આડેધડ ઘા ઝીંકી દેતા રાજુભાઈ લોહીલુહાણ થઈને ફસડાઈ પડ્યા હતા. 

બાદમાં તેમણે નશાની હાલતમાં પોતાની જાતે હાથ, પગ, પેટ, અને છાતીના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હોવાની સ્ટોરી ઘડી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં સારવાર દરમિયાન રાજુભાઈનું મોત થતા પોલીસ દોડી ગઈ હતી. પૂછપરછ દરમિયાન પ્રથમ તો ગીતાબેન અને  બીજા પુત્રએ રાજુભાઈએ આપઘાત કર્યો હોવાનું જ રટણ કર્યું હતું. બાદમાં પોલીસની આકરી પૂછપરછમાં બંને ભાંગી પડ્યા હતા. અને સાચી હકીકત જણાવી હતી. 

હાલ પોલીસે આરોપી પુત્ર રોહિતને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતક રાજુ પાંચ ભાઇ બે બહેનમાં ત્રીજા નંબરનો અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.