મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: મહાનગરપાલિકાની ચૂંટણીનાં 'આપ' પાર્ટીનાં ઉમેદવાર અશ્વિન ઠાસરાનાં ભાઈ નિલેશ ઠાસરા સહિત પાંચને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા છે. પોલીસને નિલેશનાં ઘરેથી બિયરનો જથ્થો પણ મળી આવ્યો છે. જેને લઈને પ્રોહીબિશનની કલમ હેઠળ અલગથી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરનાં સાધુવાસવાણી રોડ નજીકની ધર્મરાજ સોસાયટીનાં રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે સમગ્ર મામલનો પર્દાફાશ કર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, ક્રાઈમ બ્રાન્ચને નિલેશ ઠાસરાનાં ઘરમાં જુગરધામ ધમધમતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે દરોડો પાડી પોલીસે  તીનપત્તીનો જુગાર રમી રહેલા નિલેશ ઠાસરા (ઉ.વ.38), સંદીપ કુરજી સખિયા, હિતેષ રવજી સખિયા, પ્રવીણ ચના સખિયા અને શૈલેષ પ્રેમજી ઝાલાવડિયાને ઝડપી લઇ રોકડા રૂ.2.11 લાખ અને સાત મોબાઇલ સહિત કુલ રૂ.4.01 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાદમાં પોલીસે નિલેશના મકાનની તલાશી લેતા ત્યાંથી રૂ.1600ની કિંમતનો 16 બિયર ટીનનો જથ્થો કબ્જે કરાયો છે.


 

 

 

 

 

હાલ પોલીસે નિલેશ ઠાસરા સામે જુગારધારાની કલમ સહિત પ્રોહિબિશનનો ગુનો પણ નોંધ્યો છે. પોલીસનાં જણાવ્યા મુજબ નિલેશનો ભાઇ અશ્વિન વલ્લભ ઠાસરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.1માં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડ્યો હતો. જો કે આ ચૂંટણીમાં તેની હાર થઇ હતી. પરંતુ તેનો ભાઈ જુગારધામ ચલાવતો ઝડપાતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.