મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ક્રાઇમ બ્રાન્ચની ટીમને મહત્વની સફળતા મળી છે. રાજકોટ-ભાવનગર હાઇવે ઉપરથી અમરેલી ખૂન કેસમાં આજીવન કેદની સજા પડયા બાદ સાડા 4 વર્ષથી પેરોલ જમ્પ કરી 2018માં હત્યાની કોશિષનો ગુનો આચરી નાસતા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. નાના લીલીયા ગામના આ કુખ્યાત આરોપી ચંપુને દેશી બનાવટની પિસ્ટલ, રિવોલ્વર અને 6 જીવતા કાર્ટીસ સાથે દબોચી લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની આ સફળતા માટે પોલીસ કમિશ્નરે ટીમને રૂપિયા 15 હજારનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. 

ક્રાઈમ બ્રાન્ચની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા અનુસાર, પેટ્રોલિંગ દરમિયાન અમરેલીમાં નોંધાયેલ ગુજસીટોક સહિતનાં અનેક ગુનાઓમાં વોન્ટેડ શખ્સ અંગે ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ભાવનગર હાઇવે ઉપર રંગુન માતાજીના મંદિર પાસે દરોડો પાડી અમરેલી જિલ્લાના નાના લીલીયા ગામના કુખ્યાત આરોપી ચંપુ બાબાભાઈ રામભાઈ વિછિયાને એક દેશી બનાવટની પિસ્ટલ, એક દેશી રિવોલ્વર તેમજ 6 જીવતા કાર્ટીસ સાથે દબોચી લેવામાં આવ્યો છે. 

આરોપીએ 2011માં સાવરકુંડલાના જુના સાવર ગામે પૈસાની ઉઘરાણી બાબતે ભરતભાઈ લહેરીની અન્ય આરોપીઓ સાથે મળી હત્યા કરી હતી. જેમાં તારીખ 17 સપ્ટેમ્બર 2013ના રોજ આજીવન કેદની સજા પડી હતી. બાદમાં 15 મેં 2016ના રોજ પેરોલ રજા ઉપર મુક્ત થયા બાદ જમ્પ કરી ભાગી ગયા બાદથી આરોપી વોન્ટેડ હતો આ દરમિયાન પણ વર્ષ 2018માં સાવરકુંડલાના ઓળિયા ગામે ચંપુએ મેહુલ સાપરીયા અને ભાગીદાર ધીરુભાઈ ખુમાણની કાર પર ફાયરિંગ કરતા હત્યાની કોશિષનો નોંધાયો હતો. 

ત્યારબાદ અન્ય સાગરીતો શિવરાજ ઉર્ફે મુન્નાભાઈ રામકુભાઇ વિછિયા, શૈલેષ નાથુભાઈ ચાંદુ, અશોક જેતાભાઇ બોરીચા અને સોનલ ઉર્ફે સોનુ ઉર્ફે ઉષા ચંદુભાઈ ડાંગર સાથે ટોળકી બનાવી ગુનાઓ આચરતા હતા. જેને લઈ તેઓ વિરુદ્ધ 2020માં ગુજસીટોક હેઠળ પણ ગુનો નોંધાયો હોઈ આ બંને ગુનામાં પણ આરોપી વોન્ટેડ હતો.