મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ, ચિત્રનગરી અને મનપાના સંયુક્ત ઉપક્રમે શહેરના સ્લમ વિસ્તારના કાચા અને પાકા ઝૂંપડાઓને સપ્તરંગી કરવાનું અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત શહેરના જિલ્લા ગાર્ડન નજીકના ઝૂંપડાઓને જુદા-જુદા સાત કલરથી રંગીન કરવામાં આવી રહ્યા છે. આ કાર્યમાં શહેરના વિવિધ સેલિબ્રિટીઓ પણ જોડાઈ રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબાએ પણ ઝૂંપડાઓને સપ્તરંગી કરવામાં શ્રમદાન આપી લોકોને અનોખી પ્રેરણા પુરી પાડી હતી. 

ઉલ્લેખનીય છે કે, ઝૂંપડપટ્ટીને રંગીન બનાવવાનો આવો પ્રોજેકટ સૌ-પ્રથમ રાજકોટમાં હાથ ધરવામાં આવ્યો છે. અગાઉ માત્ર મુંબઈમાં એક જ કલરથી ઝૂંપડાઓને કલર કરવાનો પ્રયોગ થયો હતો. ત્યારે જે લોકોએ ક્યારેય સ્વપ્નામાં પણ પોતાના ઝૂંપડાને કલર કરવાનું વિચાર્યું નહોતું તેવા લોકો પોતાના ઝૂંપડાઓને રંગીન બનતા જોઈને ખુશખુશાલ જોવા મળ્યા હતા. અને આ સ્લમ વિસ્તારમાં જાણે દિવાળી હોય તેવો માહોલ સર્જાયો હતો. આગામી સમયમાં શહેરના તમામ ઝૂંપડાઓને પણ સપ્તરંગી કરવામાં આવનાર હોવાનું ચિત્રનગરીના મોભી જીતુભાઇ ગોટેચાએ જણાવ્યું હતું.