મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરની સિવિલની કોવિડ હોસ્પિટલની બેદરકારીની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં ઓક્સિજન માસ્ક સાથે દર્દીને લઈ જતું સ્ટ્રેચર તૂટતા દોડધામ મચી ગઇ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં જાનહાની ટળી છે. પરંતુ નવેનવું સ્ટ્રેચર તૂટી જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાનાં દર્દીને લઈ જતી વખતે સ્ટ્રેચર તૂટી જતાં દોડાદોડી થઈ હતી. દર્દીને જ્યારે અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે તેને જે સ્ટ્રેચર પર લઈ જવાતો હતો તે સ્ટ્રેચર તૂટી ગયું હતું. જે દર્દીને ખસેડવામાં આવી રહ્યો હતો તે ઓક્સિજન પર હતો.

થોડા દિવસ પહેલા સુરતમાં સ્ટેમ સેલ હોસ્પિટલની ઓપીડીમાં એમ્બ્યૂલન્સમાંથી લાવેલા દર્દીનો ઓક્સીજન બોટલ પુરો થઈ જતાં બીજો બોટલ પર રેગ્યૂલેટર લગાવવાની કામગીરી વખતે અકસ્માતે રેગ્યુલેટરમાંથી ફ્લો મીટરનો પ્લાસ્ટીકનો ભાગ તૂટી ગયો હતો જે એક કર્મચારીને આંખમાં વાગતા તેને ઈજા થઈ હતી.