મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ગત તારીખ 27 નવેમ્બરની રાત્રે શહેરનાં મવડી વિસ્તારની ઉદય શિવાનંદ હોસ્પિટલનાં ICU વિભાગમાં આગ ભભૂકી ઉઠી હતી. અને આ આગમાં પાંચ દર્દીઓ જીવતા ભૂંજાયા હતા. આ સમગ્ર મામલે સીટની રચના બાદ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ત્યારે આજે બનાવનાં બે જ દિવસમાં આ હોસ્પિટલનાં સંચાલકો સહિત શહેરનાં પાંચ સુપ્રસિદ્ધ ડોક્ટરો સામે ગુનો નોંધી પોલીસે સપાટો બોલાવ્યો છે. હાલ આ બધા ડોક્ટરોનાં કોરોના રિપોર્ટની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેનો રિપોર્ટ આવતા બાદ આ તમામ ડોક્ટર્સની અટકાયત કરવામાં આવનાર હોવાનું ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. 

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આ બનાવની તપાસ માટે રચેલ SIT નાં અધ્યક્ષ મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં આગ 12:22 કલાકે લાગી હતી. અને હોસ્પિટલ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર કર્મચારીઓએ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચીને માત્ર 10 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો. 

વધુમાં તેમણે કહ્યું હતું કે, પોલીસ તપાસમાં આઇસીયુ વોર્ડનો ઇમરજન્સી એક્ઝીટ બંધ હોવાનું સામે આવ્યું છે. અને દરવાજા પાસે મશીનની આડશથી અવરોધ ઊભો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને આઇસીયુ વોર્ડમાં વેન્ટીલેશન ન હોવાના કારણે ધુમાડો થયેલો હતો. સાથે જ અહીં સેનેટાઈઝર જેવા જ્વલનશીલ પ્રવાહી વધુ માત્રામાં હતા. એટલું જ નહીં ઇમરજન્સી સમયે હોસ્પિટલમાંથી બહાર જવા માટે કોઈ ઇમરજન્સી દરવાજો પણ નહોતો. અને ફક્ત 4  ફૂટની પહોળાઈ ધરાવતા પગથિયાંથી ચડવા ઉતરવાની વ્યવસ્થા હતી. 

બીજીતરફ આઇસીયુનાં દરવાજાની પહોળાઈ માત્ર ત્રણ ફૂટ ચાર ઇંચ જેટલી હતી. હોસ્પિટલ તંત્ર દ્વારા 
મેડિકલ સ્ટાફને કોઈ જાતની ફાયર સેફ્ટી બાબતની તાલીમ પણ આપવામાં આવી નહોતી. જેને લઈને આગ લાગી ત્યારે મેડિકલ સ્ટાફ તાલીમનાં અભાવે ફાયરનાં સાધનોનો યોગ્ય ઉપયોગ કરી શક્યા નહોતા. આ સાથે જ હોસ્પિટલનાં સ્ટાફને ઇમરજન્સી રેસક્યું અંગેની તાલીમ પણ આપવામાં આવી નહોતી. તેમજ ઈવેક્યુશન પ્લાન હોસ્પિટલ તંત્ર દ્વારા બનાવ્યો નથી. 

પોલીસે કબજે કરેલ સીસીટીવીનું ડીવીઆર ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યું છે. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. દરેક બેડ પાસે દર્દીને ફરતે પડદા લગાવવામાં આવ્યા હતા, જેના કારણે સીસીટીવીમાં કશું સ્પષ્ટ દેખાતું નથી. FSLનાં અધિકારીઓ દ્વારા ICUમાંથી 13 નમૂના લેવામાં આવ્યા છે. અને તેમનો પ્રાથમિક રિપોર્ટ પણ આવ્યો છે. આ તમામ બાબતો જોતા હોસ્પિટલનાં સંચાલકોની ગંભીર બેદરકારી સ્પષ્ટ જણાય છે. જેને પગલે ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા, ડો. તેજસ કરમટા, ડો. તેજસ મોતીવારસ અને ડો. દિગ્વિજય સિંહ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. અને આવતીકાલે આરોપીઓનાં કોરોનાનાં ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવનાર છે.