મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરમાં પોલીસ દ્વારા માસ્કને લઈને સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન શહેરનાં ત્રિકોણબાગ નજીક પત્નીએ માસ્ક ન પહેર્યું હોવાને કારણે પોલીસે એક દંપતિને અટકાવ્યા હતા. જેને લઈ પત્નીએ માસ્ક ખોવાઈ ગયો હોવાનું બહાનું બનાવ્યું હતું. દરમિયાન પતિ-પત્ની વચ્ચે આ મુદ્દે બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીને પોલીસની હાજરીમાં ફડાકો મારી દીધો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પોલીસવાળા દંડ લેતા લેશે પતિએ મોર બોલાવ્યોનાં મેસેજ સાથે વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક દંપતિ બાઈક પર જઈ રહ્યા છે. ત્યારે પત્નીનાં મોઢા પર માસ્ક ન હોવાને કારણે પોલીસ દ્વારા બંનેને રોકવામાં આવે છે. બાદમાં પતિ પોતાની પત્નીને માસ્ક પહેરવા માટે સમજાવી રહ્યો છે. પત્ની માસ્ક નહીં હોવાનું કહેતા પતિ તેને બેગમાં રહેલી સાડીને મોઢા ઉપર બાંધી લેવા પણ કહે છે. પરંતુ તેમ છતાં પત્ની નહીં માનતા ઉશ્કેરાયેલા પતિએ પોલીસની હાજરીમાં જ પત્નીને ફડાકો ઝીંકી દીધો હતો. જેને લઈને પોલીસે વચ્ચે આવવું પડ્યું હતું. સૂત્રોનું માનીએ તો પોલીસે પત્નીને પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા પણ જણાવ્યું હતું. જો કે પત્નીએ આ માટે ઈન્કાર કરતા અંતે બંનેને જવા દેવા પોલીસ મજબૂર બની ગઈ હતી.