તુષાર બસિયા (મેરાન્યૂઝ. અમદાવાદ) : કેન્દ્રની સૂચના મુજબ લૉક ડાઉન ૪ માં દુકાનો અને વ્યાપારના સ્થળો ખુલવા અંગે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. જેમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના ઝોનને રાહત આપવમાં આવી છે. હવે કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં દુકાનો ખોલવા માટે શરતો સાથે છૂટ આપવામાં આવશે. રાજ્ય સરકારની આ જાહેરાત સંદર્ભે રાજકોટ મનપાએ શહેરમાં દુકાનો ખોલવા અંગે માર્ગદર્શિકા બહાર પાડી દીધી છે.

રાજકોટમાં વેપારીઓ દુકાન તો ખોલી શકશે પણ એમને ઓડ ઇવન(એકી-બેકી) પધ્ધતિથી દુકાનો ખોલવાની રહેશે. આ માટે કોઈ પણ પ્રકારની મંજૂરી કે પાસ મહાનગરપાલિકા પાસેથી લેવાની જરૂર રહેશે નહીં એવું પણ મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે.નોંધનીય છે કે આ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા હવે પછી આગામી સમયમાં જાહેર કરવામાં આવશે એવું પણ જણાવવામાં આવ્યું છે.

• કઈ રીતે કામ કરશે ઓડ ઇવન પધ્ધતિ ?

દુકાન માલિકે પોતાના પ્રોપર્ટી ટેક્સના નવા નંબરને આધારે નક્કી થશે કે દુકાન એકી તરીકે ખોલવી કે બેકી તારીખે. રાજકોટ મનપા દ્વારા હાલ પ્રોપર્ટી ટેક્સ નંબર કંઈક આ પ્રકારે હોય છે XXXX/ABCD/EFG. ઉદાહરણ તરીકે જો આપનો પ્રોપર્ટી ટેક્સ નંબરમાં EFG ના સ્થાને ૦૦૦ ના હોય તો G ના સ્થાને રહેલો અંક એકી અથવા બેકી આવે. તો G ના સ્થાને જે આંકડો આવે છે એ એકી હોય તો દુકાન એકી તારીખે અને બેકી સંખ્યમાં હોય તો દુકાન બેકી તારીખે ખોલવાની રહેશે.

પરંતુ જો EFG ના સ્થાને ૦૦૦(ત્રણ શૂન્ય) હોય તો પછી D ના સ્થાને આવતો અંક ધ્યાને લેવાનો રહે. આમ D ના સ્થાને એકી અંક હોય એમને એકી તારીખે દુકાન ખોલવાની અને બેકી અંક હોય એમને બેકી તારીખે ખોલવાની રહેશે. જેમાં ૦(શૂન્ય) હોય તો એ દુકાન ધારકે બેકી તારીખે જ દુકાન ખોલવાની રહેશે. પ્રોપર્ટી ટેક્સના નવા નંબર મુજબ જ દુકાન ખોલવાની રહેશે.

• પ્રોપર્ટી ટેક્સ નંબર કેમ મળશે ?

પ્રોપર્ટી ટેક્સ નંબર દુકાનદાર પ્રોપર્ટી ટેક્સ બિલ અથવા પહોંચ પર સરળતાથી મેળવી શકે છે. RMC ની મોબાઈલ એપ્લિકેશન અથવા વેબસાઈટ પરથી પણ દુકાનદારને પ્રોપર્ટી ટેક્સના નંબર મળી શકશે.