મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટ કોર્પોરેશનની જનરલ બોર્ડ મીટિંગમાં આજે હોબાળો મચી ગયો હતો. પ્રમુખ સ્વામી આર્કેડ હોલમાં મળેલી આ બેઠકમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે ઉહાપોહ મચ્યો હતો. એક તરફ દેશભરમાં કોંગ્રેસ દ્વારા દેખાવો થઈ રહ્યા છે તો રાજકોટ કોંગ્રેસ દ્વારા જનરબ બોર્ડ મીટિંગ દરમિયાન આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરાઈ હતી.

લોકોના પ્રશ્નોને સાંભળવાને બદલે કે તેની ચર્ચા થવાને બદલે બોર્ડ મીટિંગમાં સાશક પક્ષે વિપક્ષના કોર્પોરેટર્સની સામ-સામે આવી જઈ બોર્ડમાં બખેડો ઊભો કરી દીધો હતો. વિપક્ષના નેતા વશરામ સાગઠિયા સહિત ત્રણ કોંગ્રેસના કોર્પોરેટરને ટીંગાટોળી કરી બહાર ધકેલી દેવાયા હતા.

મીટિંગમાં કોરોના બાબતે ચર્ચા થવાની હતી જોકે કોંગ્રેસે વિરોધ કરી ધરણા પર બેસીને રામ ધૂન બાલવવાની શરૂ કરી દીધી. જેને પગલે બોર્ડમાં કોર્પોરેટર્સ વચ્ચે જ સોશિયલ ડિસ્ટન્સિંગ રહ્યું ન હતું. કેટલાક કોર્પોરેટર્સને ટીંગાટોળી કરીને બહાર કઢાયા,  કોંગ્રેસે આ દરમિયાન બોર્ડ મીટિંગનો બહીષ્કાર કર્યો હતો અને હોલ છોડી દીધો હતો. મીટિંગમાં એ બાબતનો પણ હોબાળો મચ્યો હતો કે વિપક્ષના એક સભ્યની તબીયત સારી ન હોવા છતાં તેમને સ્ટ્રેચર પર લાવીને હાજરી પુરાવા ફરમાન કરવામાં આવ્યું હતું. જનરલ બોર્ડમાં તમામ કોર્પોરેટર્સને સેનેટાઈઝેશન સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. પણ કોંગ્રેસ આ મીટિંગમાં પોલીસના પ્રવેશ અંગે કોર્ટમાં જઈ શકે છે.