મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યા મુજબ, હાલમાં શહેર અને જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ કાબુમાં છે. અને રાજકોટ જિલ્લામાં હાલ 28 બોન્ડેડ ડોક્ટર્સ છે, જેમને સ્ટેન્ડ બાય રખાયા છે. ભવિષ્યમાં કે ઇમરજન્સીની સ્થિતિમાં જરૂર પડે તો આ ડોક્ટરોની સેવા કોરોના માટે લેવામાં આવશે. જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ફેલાતું રોકવા માસ્ક અને ટેસ્ટિંગ ઝુંબેશ સારી રીતે ચાલી રહી છે. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માસ્ક સામે દંડ તેમજ સોશિયલ ડિસ્ટન્સના અમલ માટે પાલિકા વિસ્તારોમાં પાલિકાની ટીમ અને પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે અને આરોગ્યની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ કરી રહી છે. તો તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને મામલતદાર તથા પોલીસની ટીમ કામગીરી કરી રહી છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ, ઉપલેટા, જેતપુર, ધોરાજી જેવા શહેરી વિસ્તારોમાં કેસો વધી રહ્યા છે, એ મામલે કલેક્ટરે કહ્યું હતું કે, શહેરી વિસ્તારોમાં ગીચતા વધારે હોય છે. વળી, શહેરી વિસ્તારોમાં કેસો વધારે છે અને લોકોની અવરજવર પણ વધારે હોય છે. આથી ત્યાં વધુ કેસો આવી રહ્યા છે. આવતીકાલે નોડલ અધિકારી રાહુલ ગુપ્તા આવી રહ્યા છે. અને કોરોના કોર ગ્રૂપની બેઠક મળનાર ચર. જેમાં માસ્ક વિના ફરતા લોકોનું ટેસ્ટિંગ કરાવવા અને પોઝિટિવને હોસ્પિટલમાં ભરતી કરી દેવા જેવા અગ્રેસિવ પગલાં બાબતની વિચારણા કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.