મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરમાં કોરોના વાયરસની પરિસ્થિતિ વણસી રહી છે. સરકારી હોય કે પછી ખાનગી તમામ હોસ્પિટલોમાં બેડ ફુલ થઇ ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેકટર રેમ્યા મોહનનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે કરેલી વાતચીતમાં કલેક્ટરે વધુ 500 બેડ વધારવામાં આવનાર હોવાનું જણાવ્યું છે. સાથે જ તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણપણે સજ્જ હોવાનો દાવો કરતા લોકોને સાવધાની રાખવાની અપીલ પણ કરી છે. 

જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, હાલમાં શહેરમાં ઓક્સિજન બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં સમરસ હોસ્ટેલમાં 500 જેટલા ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ પૈકી 250 બેડ હાલમાં તૈયાર થઈ ચૂક્યા છે. જ્યારે શહેરની કેન્સર હોસ્પિટલ ખાતે પણ 200 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નોન કોવિડ દર્દીઓને રેલવેમાં સારવાર આપવામાં આવશે. આ માટે રેલવેમાં ઓપરેશન થિયેટર સહિતની તમામ સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે. 

વધુમાં તેમણે જણાવ્યું છે કે, હાલ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. તેમ ઓક્સિજનના વપરાશમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સરકારી હોય કે પછી ખાનગી ઓક્સિજનની ઘટ પડવા દેવામાં નહીં આવે. તેમજ આજરોજ ભાવનગરથી 20જેટલા વેન્ટિલેટર પણ આવી ચુક્યા છે. અને તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. પરંતુ સંક્રમણને રોકવા માટે પ્રજાએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. તો જ આ કોરોનાને હરાવી શકાશે