મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સમગ્ર દેશની સાથે જ શહેર અને જિલ્લામાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં જ રસીકરણનો પ્રારંભ કરાયો છે. જેમાં સૌપ્રથમ આરોગ્ય કર્મચારીઓને વેકસીન આપવાનું શરૂ કરાયું છે. જો કે કર્મચારીઓએ આડ અસર માટે વીમો આપવાની માંગ કરી છે. રાજકોટના 6 અને જિલ્લાના 3 સહિત કુલ 9 બુથ પરથી વેકસીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રેડ ઝોનમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતેના બુથની કામગીરી પ્રધાનમંત્રીએ નિહાળી હતી. એક સેન્ટર પર અંદાજીત 100 વ્યકિતને દરરોજ રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટ શહેરના જે 6 સ્થળોએ કોરોના વેકસીનની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં રાજ્ય મંત્રી આર.સી.ફળદુ, પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, તો વોકહાર્ડ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય અરવિંદ રૈયાણી ઉપરાંત શ્યામનગર આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ કોઠારીયા આરોગ્ય કેન્દ્ર ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણી જ્યોતિન્દ્ર મહેતાની હાજરીમાં વેકસીનેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રસી લેનાર વ્યકિતને ‘મે કોરોના વેકસીન લીધી છે' નાં બેઝ પણ આપવામાં આવનાર છે.