કુલીન પારેખ  (મેરાન્યૂઝ, રાજકોટ): અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ કહેવતને રાજકોટના પોલીસ કોન્સ્ટેબલે સાચા અર્થમાં સાર્થક કરી છે અને માત્ર રાજકોટ નહીં ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું છે. કૃષ્ણસિંહજી રાઠોડ નામના આ જવાને પર્વતારોહણમાં એક એવું શિખર સર કર્યું છે જ્યાં નિપૂણ પર્વતારોહકો પહોંચવામાં મુશ્કેલી અનુભવે. કૃષ્ણસિંહજીએ -30 (માઇનસ ત્રીસ) ડિગ્રી તાપમાનમાં કલાકના 110 કિમીની ઝડપે ફૂંકાતા પવનનો સામનો કરીને પ્રિ-એવરેસ્ટ ગણાતું કારાકોરામ રેન્જનું નુનપીક શિખર સર કરી ઈતિહાસ સર્જ્યો છે. આ માટે તેમને સરકાર દ્વારા ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવનાર છે. ગુજરાત પોલીસનો આ કદાચ પ્રથમ કોન્સ્ટેબલ છે જેણે આ શિખર સર કર્યું છે.

કૃષ્ણસિંહજી રાઠોડે મેરાન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મને નાનપણથી જ પર્વતારોહણનો શોખ હતો. વર્ષ 2015માં જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે મે આ માટેનો બેઝિક કેમ્પ કર્યો હતો અને પર્વતારોહણની એબીસીડી શીખ્યો હતો. વર્ષ 2016માં એડવાન્સ ટ્રેનિંગ મેળવી હતી અને 2017માં હિમાચલ પ્રદેશનું 15500ફૂટ ઉંચાઈએ આવેલું મુનપીક શિખર સર કર્યું હતું. અને ચાલુ વર્ષે જુલાઇ 2018માં પ્રિ-એવરેસ્ટ ગણાતું નુનપીક શિખર સર કર્યું હતું. આ દરમિયાન ક્રેવાસ(એક પ્રકારનો ઉંડા ખાડો)માં ફસાયેલા 4 લોકોને રોપની મદદથી 300 ફૂટ ઉંડેથી બહાર પણ કાઢ્યા હતા.

નુનપીક શિખર સર કરતી વખતે થયેલા અનુભવો વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, આ પર્વતની બીજી તરફ પાકિસ્તાન આવે છે. અમે 6 લોકો 27 કિલો વજનની બેગ લઈ ઉંચાઈએ પહોંચ્યા ત્યારે -30 (માઇનસ 30) ડિગ્રી તાપમાનની સાથે 110 કિમીની ઝડપે પવન ફૂંકાતો હતો. જો બેલેન્સ બગડે તો સીધા પાકિસ્તાનમાં જઈને પડવાનો ખતરો હતો. વળી અમારા પ્રવાસ દરમિયાન વરસાદી વાતાવરણ હોઈ ગરમ વસ્તુ બનાવવી અશક્ય હતી. જેને લઈને અમે કુલ 37 દિવસ પૈકી 11 દિવસ તો માત્ર ડ્રાયફ્રુટ અને ચોકલેટ ઉપર કાઢ્યા હતા. 29 જુલાઇ 2018ના રોજ આ કેમ્પ અમે પૂર્ણ કર્યો હતો.

ભારે પવનને કારણે છેલ્લા 42 ફૂટ બાકી હતા ત્યારે મારી સાથેના તમામ લોકો હિંમત હારીને પરત ફરી ગયા હતા. પણ હું કોઈપણ સંજોગોમાં હાર માનવા તૈયાર નહોતો. એટલે આલ્પાઇન સ્ટાઈલમાં (કોણી ઉપર ઘસાતા) મે મહા મહેનતે બાકીના 42 ફૂટની ઉંચાઈ સર કરી હતી. જોકે ત્યારબાદ એકાદ મહિનો મારા પગના અંગુઠામાં પોસ્ટલાઈટ (લોહી જામી જવાની) તકલીફ પણ થઈ હતી. પોસ્ટલાઈટ વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે, આ એક એવી તકલીફ છે કે જેની કોઈ દવા નથી.

દરરોજ માત્ર મીઠાવાળા ગરમ પાણીમાં પગ બોળી રાખવા એજ આ બિમારીનો ઈલાજ છે. અને ક્યારેક આ બિમારી શરીરમાં ફેલાઈ જાય તો માણસને જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે. જો કે સદનસીબે થોડો સમય બાદ મને આ બિમારીથી મુક્તિ મળી ગઈ હતી. પોતાની આ અનોખી સિદ્ધિ માટે તેમણે પોલીસ કમિશ્નર અને તમામ સહકર્મીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અને કૃષ્ણસિંહજી આટલેથી અટકી જવા માંગતા નથી. સરકાર મંજૂરી અને જરૂરી મદદ આપે તો આલ્પાઇન સ્ટાઈલમાં (કોણી ઉપર ઘસાતા) માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું તેમનું સ્વપ્ન છે. ત્યારે તેમનું સ્વપ્ન સાકાર કરવા માટે સરકાર ક્યારે આગળ આવશે તે જોવું રહ્યું.