મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ગઈકાલે મહાનગરપાલિકાનાં ડેપ્યુટી કમિશ્નર સિંઘ સ્વચ્છતાનું પાલન કરાવવા માટે હોકી હાથમાં લઈ જાહેરમાર્ગો પર ફર્યા હતા. અને નાના વેપારીઓને દંડ ફટકાર્યો હતો. જેના વિરોધમાં NSUI મેદાને આવ્યું છે. અને મોટી સંખ્યામાં NSUIનાં કાર્યકરો કોર્પોરેશન કચેરી  પહોંચ્યા હતા. અને હોકી સ્ટીકથી ખોફ ફેલાવનાર ડે. કમિશ્નર સામે કાર્યવાહીની માંગ સાથે હલ્લાબોલ કર્યો હતો. જેને પગલે પોલીસે દેખાવો કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી છે. 

આ અંગે NSUI જિલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, ડે. કમિશ્નરે ગઈકાલે હોકી સ્ટીક સાથે નિકળીને રીતસરનો ખોફ ફેલાવ્યો હતો. તેમજ લારી- ગલ્લા વાળાઓને, ગરીબ ધંધાર્થીઓને હોકી સ્ટીકથી ડરાવી દંડ વસુલ્યો હતો. બીજીતરફ  યુવા ભાજપની બાઈકરેલીમા નિયમોના ધજાગરા ઉઠ્યા છતા ત્યા તંત્ર ઘૂંટણીયે હોય તે રીતે તમાશો નિહાળ્યો હતો.

બે મોઢાવાળા સિંઘમ સાહેબ ખરેખર પાણીયારા હોય તો ભાજપની રેલીમા કાર્યવાહી કરવી જોઈએ. કદાચ તેમણે એવું કરવાની હિંમત દાખવી હોત તો અમે તેમનું સન્માન કરવાના હતા. પંરતુ આવી રીતે સામાન્ય પ્રજાને દંડ ફટકારી આ અધિકારી શુ સાબિત કરવા માંગે છે ??  રાજકોટમા કરોડોની જમીનો પર બિનકાયદેસર રીતે દબાણ છે તો સિંઘમ સાહેબ દબાણ હટાવવા ક્યારે જશે ?? 

આ રીતે ક્લાસ-વન અધિકારીઓ ગેરબંધારણીય રીતે હાથમા ધોકા-સ્ટીકો લઈને નિકળશે તે કેટલુ યોગ્ય છે?  શુ મહાનગરપાલિકામાં વિજીલન્સ ટીમ ન હતી કે પોતે હોકી લઈને નિકળવુ પડ્યુ ? પોલીસ આ અધિકારી પર કાર્યવાહી કરશે ? સહિતના અનેક સવાલો પણ તેમણે ઉઠાવ્યા છે. આ સાથે NSUI કાર્યકરોએ દેખાવો કરતા મનપા કચેરીનો ગેઇટ બંધ કરી દેવાયો હતો. જેને લઈ કાર્યકરોએ ધક્કામુક્કી સાથે ગેટ પર ચડી દેખાવો કર્યા હતા.

ત્યારબાદ પોલીસે DMCને રજુઆત કરવા ન જવા દેતા કાર્યકરોએ રસ્તા પર બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે નારેબાજી શરૂ કરી હતી. જેને પગલે અંતે પોલીસે તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ કાર્યક્રમમા NSUIના જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત, યુવક કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, સેવાદળના પ્રમુખ રણજીત મુંધવા, મિત પટેલ, અભિ તલાટીયા અને મૌલેશ મકવાણા સહિતનાં આગેવાનો પણ જોડાયા હતા.