મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટરાજકોટ મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગની બે નર્સની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં રસિકરણની કામગીરી દરમિયાન આ બંને સ્ટાફ નર્સ દ્વારા બાળકને જરૂરી વેકસીનને બદલે અન્ય વેકસીન આપી દેવામાં આવ્યું હતું. જો કે સદનસીબે વેકસીન લેનાર બાળકોને કોઈ સાઇડ ઇફેક્ટ થઈ ન હતી, પરંતુ કમિશ્નર બંછાનિધિ પાનીએ આ બાબતને ગંભીરતાપૂર્વક લીધી હતી અને રસિકરણની કામગીરી વખતે થયેલી આ ગંભીર ભૂલ બદલ આ બંને સ્ટાફ નર્સને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરી દેવામાં આવી હતી.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ મનપા દ્વારા નારાયણનગર આરોગ્ય કેન્દ્ર ખાતે ગત તા.૦૮/૦૩ના રોજ રસીકરણ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં GNM અલ્પાબેન સેલોત તથા કોકીલાબેન માલ દ્વારા લાભાર્થી માધવ ચિરાગભાઈ કક્કડ ઉંમર વર્ષ ૩ મહિના ૨૪ દિવસ મમતા કાર્ડ લઈને વેક્સીનેશન કરાવવા આવ્યા હતા. જે અંતર્ગત અલ્પાબેન સલોતની મૌખિક તથા મમતા કાર્ડમાં લેખિત સૂચના મુજબ કોકીલાબેન માલ દ્વારા બાળકને પેન્ટાવેલેન્ટ(૩)ના સ્થાને મીઝલ્સ(૧) તથા વિટામીન A અપાયું હતું. 
આપવામાં આવેલું રસીકરણ શિડ્યુલ મુજબ અયોગ્ય હોવાથી તુરંત જ લાભાર્થી બાળકના ઘરની રૂબરૂ મુલાકાત લઈ બાળકના દાદા સાથે ક્ષતિયુક્ત રસીકરણની ચર્ચા કરાઈ હતી. તેમજ ક્ષતિયુક્ત રસીકરણ બાબતે હૃદયપૂર્વક દિલગીરી વ્યક્ત કરી પીડીયાટ્રીશીયન ડોક્ટર હિરેન મશરૂ દ્વારા બાળકના ઘરે રૂબરૂ જઈ તપાસ કરવામાં આવી હતી. જેમાં સદનસીબે બાળકમાં રસીકરણની આડ અસરના કોઈપણ ચિહ્નો જોવા મળ્યા ન હતા અને બાળક સંપૂર્ણ તંદુરસ્ત જણાયું હતું.
જો કે સમગ્ર ઘટનાની હકીકત તપાસ્યા બાદ નારાયણનગર આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા અલ્પાબેન સેલોત તથા કોકીલાબેન માલને આ ગંભીર બેદરકારી બદલ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીની સુચનાથી તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા.