મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ ક્રૂડના ભાવ તળિયે હોવા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને છે. દેશભરમાં ઇંધણના ભાવને લઈ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વિરોધ પક્ષમાં રહેલું કોંગ્રેસ પણ આખરે લોકોના મામલે રસ્તા પર જોવા મળી રહ્યું છે. એવામાં મુખ્યમંત્રીના શહેર રાજકોટમાં કોંગ્રેસના એક આગેવાન ઘોડા પર સવાર થઈ નવતર રીતે વિરોધ દર્શાવી રહ્યાં હતા, પરંતુ રાજકોટ પોલીસે ટીકાપાત્ર રીતે અટક કરી લીધી હતી. (વીડિયો અહેવાલના અંતમાં દર્શાવ્યો છે, અભદ્ર ભાષા પ્રયોગને પગલે વીડિયોમાં વોઈસ મ્યૂટ કરાયો છે)

સમગ્ર ઘટના એવી છે કે, રાજકોટ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના મુદ્દે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન કોંગ્રેસના આગેવાન અને નેતા ઘોડાની સવારી કરી નગરમાં ફરી નવતર વિરોધ કરી રહ્યાં હતાં. ઘોડા પર સવારી કરવાનો ઉદ્દેશ હતો કે આંધળી સરકાર લોકોની વેદના પર દ્રષ્ટિ કરે અને સમજે કે લોકોને ઇંધણના ભાવથી મજબૂરી વશ થઈ ઘોડા પર ફરવા મજબુર થવું પડશે, પરંતુ વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના નેતા રાજદીપસિંહ જાડેજાને પોલીસે બળપૂર્વક અટકમાં લઈ લીધા હતા.

નિર્દોષ પ્રાણીને પણ પોલીસે ન લાફા લગાવ્યા

સત્તા પાસે સારા થવા અધિકારીઓ કયારેક માનવતા અને કાયદાનું પણ ભાન ભૂલી જતા હોય છે. તેવું જ આ કિસ્સામાં પણ થયું હોય તેવું જણાય છે. દેશના બંધારણે નાગરિકો આપેલી અભિવ્યક્તિની આઝાદી જાણે આદર્શ વાતો પૂરતી સીમિત રહી હોય તેમ વિરોધને ડામી દેવા પોલીસ બળજબરી કરતી વીડિયોમાં દેખાય છે. અટક કરવા આવેલા અધિકારી નિર્દોષ પ્રાણીને પણ બક્ષતા નથી અને માર મારતા જોઈ શકાય છે. આ ઘટનાથી લોકોમાં પ્રશ્ન પેદા થયો છે કે સત્તા સામે બોલવું કે શાંતિ પૂર્વક વિરોધ કરવો શું ગુનો છે ?

અભદ્ર બોલ્યા તો બોલ્યા શું છે

બળજબરીથી જ ઘટના સમી નથી જતી, સત્તાના મદમાં રાચતા પોલીસ અધિકારીઓ ઉગ્ર રીતે અભદ્ર ભાષા પણ જાહેરમાં પ્રયોગ કરે છે. પ્રજા માટે પ્રજા દ્વારા ચલતા લોકતંત્રમાં જાણે લોક અલગ અને તંત્ર અલગ હોય તેમ પોલીસ તંત્રનો શરમજનક વ્યવહાર રાજકોટની પ્રજાને જોવાનો સમય આવ્યો હતો. કોંગ્રેસ નેતા રાજદીપસિંહ દ્વારા અભદ્ર ભાષા નહીં વાપરવા જણાવ્યું તો અધિકારી કહે છે, બોલ્યા તો બોલ્યા... શું છે.

પોલીસની દાદાગીરીનો બીજો કિસ્સો

થોડા દિવસો પહેલા જ કોંગ્રેસ આગેવાન અને ખેડૂત અગ્રણી પાલ આંબલિયા દ્વારા રાજકોટ પોલીસ દ્વારા મારમાર્યા અને ધમકી આપ્યાના આક્ષેપો થયા હતા. આ મામલે પાલ આંબલિયા એ ફરિયાદ કરી અને પોલીસવડાને મળવા પણ ગયા હતા, પરંતુ પોલીસ વડા પાસે પહોંચે તે પહેલાં જ ગાંધીનગરમાં તેમની અટકાયત કરી લેવાઈ હતી. ત્યાં આજે પોલીસની દાદાગીરીનો બીજો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. અગાઉ પણ પોલીસ પર એવા ઘણા આક્ષેપો થયા છે કે પોલીસને સત્તા પક્ષનું સોશિયલ ડિસ્ટન્સિંગ લાગે અને વિરોધ પક્ષના  ટોળા દેખાય છે. પોલીસ એક જ પ્રકારની ઘટનાને જોવા બે અલગ ચશ્મા રાખે છે.