મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ આજે મુખ્યમંત્રી રૂપાણી અભિવાદન સમારોહ અંતર્ગત રાજકોટ આવી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ હાર્દિક પટેલ અને અમિત ચાવડાનાં ટ્વિટ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મોટેરા ખાતે 233 એકરમાં સ્પોર્ટસ સંકુલ બનવાનું છે. જેનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ જ છે. માત્ર ક્રિકેટ સ્ટેડિયમને જ નરેન્દ્ર મોદીનું નામ અપાયું છે. કોંગ્રેસનાં લોકો સપનામાં પણ મોદીનાં નામથી ઝબકી જાય છે. કોંગ્રેસે તો સરદારને હાંસિયામાં ધકેલ્યા છે અને તેને સરદાર માટે બોલવાનો કોઈ અધિકાર જ નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રજાએ દયા કરીને વોર્ડ નંબર 15માં કોંગ્રેસની આબરૂ રાખી છે. માત્ર રાજકોટ જ નહીં પણ તમામ 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થવો એ સાબિત કરે છે કે, લોકો વિકાસ ઈચ્છે છે. હવે કોંગ્રેસ બે દિવસથી રાજીનામાનાં નાટક કરે છે. પરંતુ પ્રજાએ વિરોધ પક્ષને પણ લાયક ગણ્યા નથી. આઝાદી પછીના ઇતિહાસમાં કોંગ્રેસની આવી ખરાબ સ્થિતિ ક્યારેય થઈ નથી. હું પ્રજાને ખાતરી આપું છું કે, અમને મળેલા મતોને જવાબદારી ગણી રાજકોટનો વિકાસ કરીશું.