મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : આજે વધુ એક કોરોનાગ્રસ્ત દર્દીએ સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી. કુવાડવા પાસે આવેલા સાયપર ગામે રહેતા જાગાભાઈ મોહનભાઈ ભલગામડીયા નામના 50 વર્ષના આધેડ સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગના ચોથા માળે કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. દરમિયાન કોઈપણ કારણોસર વહેલી સવારે ત્યાંથી પડતું મુકતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજયુ છે. 

બનાવ અંગે પ્ર.નગર પોલીસને જાણ થતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રાથમિક પૂછતાછમાં મૃતક જાગાભાઈ ભલગામડીયાનો ગત તા.29/4ના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગમાં ચોથા માળે દાખલ કરાયા હતા. જ્યાં આજે વહેલી સવારે તેમણે ફરજ પર રહેલા તબીબ તેમજ નર્સિંગ સ્ટાફ સહિતના કર્મીઓની નજર ચૂકવી ચોથા માળે રવેશમાંથી મોતની છલાંગ લગાવી હતી. જાગાભાઈએ કોરોનાની બિમારીથી ડરી જઈ આત્મઘાતી પગલુ ભર્યું હોવાની શંકા સેવાઈ રહી છે.