મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: સિવિલ હોસ્પિટલના કોરોના કન્ટ્રોલ વિભાગ પાસેથી IPS અધિકારીની ખોટી ઓળખ આપનાર સંકેત મહેતા નામના એક શખ્સને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ શખ્સનાં કાકા કોરોના વોર્ડમાં દાખલ હોય તેને મળવા જવા આવો ખેલ કર્યો હોવાનું બહાર આવ્યું છે. સાથે જ તેણે પરિવાર અને સંબંધીઓને પણ પોતે IPS અધિકારી હોવાનું જણાવ્યું હોવાનું સામે આવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી છે.

જાણવા મળતી માહિતી મુજબ એક યુવાન ત્રણ ચાર દિવસથી કોરોના કન્ટ્રોલ વિભાગ પાસે આવી પોતે IPS ઓફિસર હોય કાર્ડ બતાવી રોફ મારતો હતો. આ અંગે સ્ટાફે પોલીસને વાકેફ કરતા ક્રાઈમ બ્રાન્ચે આ યુવાનને ઝડપી લઈ તેના આઈ કાર્ડની ખરાઈ કરતા બોગસ હોવાનું માલુમ પડતા તેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. સંકેત મહેતા નામનો આ શખ્સ ખાનગી કંપનીમાં નોકરી કરે છે.


 

 

 

 

 

પ્રાથમિક પૂછપરછમાં આરોપી સંકેત મહેતાએ વર્ષ ૨૦૧૯માં upsc ની પ્રિલીમ પરીક્ષા આપેલ હતી જેમાં તે ફેલ થયો હતો. તેમ છતા તેને પોતાના ઘરના સભ્યો તેમજ સગા સંબંધીઓને પોતે પાસ થયો હોવાનું કહ્યું હતું. તેમજ upsc mains પરીક્ષા પણ પાસ કરીને  ઇન્ટરવ્યૂ પણ આપી ચુક્યો હોવાનું કહેતો હતો. સાથે પોતે આઇપીએસમાં સિલેક્ટ થઇ ગયો છે, પણ પોતાને આઈએએસની પરીક્ષા આપી આઈએએસ બનવું છે તેવું બધાને કહેતો ફરતો હતો.