મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : રાજકોટમાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટયો છે ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે આવતા દર્દીઓને બેડ માટે ભારે હાલાકી ભોગવવી પડે છે અને કલાકો સુધી વેઈટિંગમાં રહેવું પડે છે. આ તકનો લાભ લઈને સિવિલમાં સારવારમાં આવતા દર્દીઓને તાત્કાલીક બેડ અપાવવાના નામે 9 હજાર પિયા માગી 7 હજાર રૂપિયા પડાવનાર સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાકટર એમ.જે. સોલંકીના બે કર્મચારીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાયા બાદ બન્નેને જામનગરથી ઝડપી લેવામાં આવ્યા હતા. આ બન્ને શખસોએ વૃધ્ધાને બેડ અપાવવાની લાલચે તેમના સંબંધિત પાસેથી 7 હજાર રૂપિયા પડાવ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મુખ્યમંત્રીએ તાત્કાલીક તપાસના આદેશ આપ્યા હતા. બાદમાં પોલીસ કમિશનર દ્વારા તાત્કાલીક ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. બાદમાં બન્નેને પોલીસે જામનગરથી દબોચી લીધા હતા.