મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેમાં અનેક બેદરકારીની ઘટનાઓ બાદ હવે સિવિલ હોસ્પિટલમાં ચોરીની ઘટના પણ સામે આવી છે. જેમાં ગત તારીખ 8નાં રોજ કોરોનાથી અવસાન પામનાર મહિલાની સોનાની ચૂંક, ચેઇન, મોબાઈલ ગાયબ હોવાથી પરિવારે આ અંગે પૂછપરછ પણ કરી હતી. દરમિયાન સ્ટાફે જાણે આ અંગે તેમની કોઈપણ જવાબદારી જ ન હોય તેમ 'મળશે તો આપીશું' જેવો જવાબ આપતા પરિવાર મૂંઝાયો છે.

જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં ભાવિકભાઈ હાથીના 67 વર્ષના કાકી મીનાબેન હાથીનું ગત તારીખ 8ના કોરોનાથી નિધન થયું હતું. બાદમાં હોસ્પિટલ દ્વારા પરિવારજનોને મૃતક મહિલાનો સામાન સોંપયો હતો. પરંતુ બન્યું એવું કે, હોસ્પિટલ તરફથી આપવામાં આવેલી બેગમાંથી મૃતકનું પર્સ, આધારકાર્ડ, એટીએમ કાર્ડ, મોબાઈલ, પૈસા, સોનાની ચુંક, ચેઇન, મગમાળા તમામ વસ્તુ ગાયબ થઈ ગઈ હતી. આ તમામ વસ્તુ બેગમાં ન મળતા મૃતક મહિલાના પરિવારે હોસ્પિટલ સ્ટાફને જાણ કરી હતી. પણ ત્યાંથી 'મળશે તો આપશું' જેવો ઉડાઉ જવાબ મળતા હોસ્પિટલ સ્ટાફ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.