મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેરના રેસકોર્સ મેદાન ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (કાઇટ ફેસ્ટિવલ)નો પ્રારંભ થયો હતો. આ મહોત્સવમાં જુદા-જુદા 12થી વધુ દેશોમાંથી 35 થી વધુ પતંગ રસિયાઓ દ્વારા અવનવી પતંગો ઉડાવવામાં આવી હતી. જેમાં 6-18 ઇંચની 150 અવનવી પતંગો જોવા મળી હતી. વધુમાં આજે ધારણા કરતા પવન પણ સારો હોવાથી પતંગ રસિયાઓ ગેલમાં આવી ગયા હતા. આ કાઈટ ફેસ્ટિવલને નિહાળવા રંગીલા રાજકોટીયન્સ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં દેશ-વિદેશના પતંગ રસિયાઓએ ભાગ લીધો હતો. પતંગ રસિયાઓના જણાવ્યા મુજબ તેઓ દ્વારા ઉડાવવામાં આવતી પતંગમાં કોટનનો દોરો વાપરવામાં આવે છે. જેનાથી પક્ષીઓને કોઈ નુકસાન થતું નથી. તેમજ પતંગો પણ પાણીથી ધોઈ શકાય તેવી રાખવામાં આવતી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. આ પતંગ મહોત્સવને લઈને રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગોથી રંગાઇ ગયું હતું.