મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : શહેરના કાલાવડ રોડ પર આવેલી વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અને દારૂના ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચુકેલા બે નામચીન શખ્સોએ ગત મોડીરાત્રે આવાસ યોજના એસો. ના પ્રમુખને છરીના પંદરેક ઘા ઝીંકી દઇ પતાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. રાત્રીના સમયે કવાર્ટરના રહેવાસી લોહાણા, વૃધ્ધ સહિતના લોકો મંદિરે બેઠા હતાં. ત્યારે આ બંને લુખ્ખા તત્વોએ 'તમે અમારો દારૂનો ધંધો બંધ કરાવવા અરજી કેમ આપો છો?' તેવું કહી ઝઘડો કરતાં કવાર્ટર પ્રમુખ વચ્ચે પડ્યા હતા. જેને લઈને તેમના પર આ હીચકારો હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

જાણવા મળેતી વિગત મુજબ કાલાવડ રોડ પરની વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં એસો. પ્રમુખ અને બક્ષીપંચ મહામોરચાના 45 વર્ષીય મહામંત્રી વિજયપરી ભીખુપરી ગોસ્વામી પર ગતરાત્રે જીવલેણ હુમલો કરાયો હતો. આ વિસ્તારમાં જ રહેતા રાજૂ ઉર્ફ ડિમ્પલ કૃષ્ણમુરારી યાદવ અને સંદિપ ઉર્ફ સેન્ડી રમેશભાઇ ખેર નામના શખ્સોએ આડેધડ છરીના પંદરેક ઘા ઝીંકી દીધા હતા. જેને લઈને તેમને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં વિજયગીરીનું ગંભીર ઇજાઓને પગલે ઓપરેશન ચાલી રહ્યું હતું. પોલીસે આવાસ યોજનામાં રહેતા 61 વર્ષીય વૃધ્ધ નવિનચંદ્ર તુલસીદાસ વિઠ્ઠલાણીની ફરિયાદ પરથી બંને આરોપીઓ વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. નવીનચંદ્રએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગરમીને કારણે મોડીરાત્રે સ્થાનિકો નજીકના મંદિરે બેઠા હતા. ત્યારે અચાનક આરોપીઓએ ધસી આવી 'તમે અમારો દારૂનો ધંધો બંધ કરાવવા અરજી કેમ આપો છો?' કહીને ઝઘડો કર્યો હતો. દરમિયાન પ્રમુખ વિજયપરી આવી જતા રાજુ ઉર્ફે ડિમ્પલે તેમને ઝાપટ મારી હતી. 

વિજયપરી ભાગવા જતા રાજુ તેમની પાછળ દોડ્યો હતો અને નજીકના મેદાનમાં રાજુ અને સંદિપે તેમને પેટ, છાતી, હાથ-પગ સહિતની જગ્યાઓ પર આડેધડ છરીના 15 જેટલા ઘા ઝીંક્યા હતા. દરમિયાન અમારા સહિત આસપાસના રહેવાસીઓ ભેગા થઈ જતા આરોપીઓ નાસી છૂટ્યા હતા. આરોપીઓ દારૂનો ધંધો કરતા હોઈ પ્રમુખ સહિત સ્થાનિકો દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી હતી. જેનો ખાર રાખીને તેઓએ આ હુમલો કર્યો હોવાનું પણ નવીનચંદ્રે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આરોપીઓ અગાઉ પણ વિવિધ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે.