મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ : શહેરના જામનગર રોડ પર આવેલા કોપર સીટી એપાર્ટમેન્ટમાં બે દિવસ પહેલા કમલ જયસ્વાલ ઉર્ફે કાળું બુકીએ પોતના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં બુકીની આત્મહત્યા મામલે દિન પ્રતિદિન નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હાલમાં કાળું નામના બુકીએ આત્મહત્યા પહેલા બીજા બુકી સાથે કરેલી વાતચીતની ઓડિયોકલીપ સોશિયલ મિડિયામાં વાઈરલ થઈ છે. જેમાં મૃતક કાળુભાઇ અન્ય બુકી પાસે ઉગ્ર ભાષામાં ઉઘરાણી કરી રહ્યા હોવાનું અને સામા પક્ષનો બુકી પણ ગુસ્સે થયો હોવાનું સ્પષ્ટ સાંભળી શકાય છે. વાતચીતમાં 20 લાખ રૂપિયાથી વધુની રકમ આપવાની ઉગ્ર ચર્ચા થઇ રહી છે અને આપઘાત કરનાર બુકી કમલ જયસ્વાલ રૂપિયા આપી દઇશ તેવું રડતા અવાજે કહેતા સંભળાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર રોડ પરના કોપર સીટી એપાર્ટમેન્ટમાં રહેતા કમલ જયસ્વાલ ઉર્ફે કાળું બુકીએ પોતના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તાપસમાં મૃતક કમલ તાજેતરમાં જ ત્રણેક કરોડ જેટલી રકમ હારી ગયો હોવાનું અને આ કારણે કોઈ મોટા ગજાના ગ્રાહક દ્વારા અપાતી ધમકીઓથી કંટાળી તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જો કે મૃતકના પરિવાર દ્વારા આ સમગ્ર વાત ખોટી હોવાનું જણાવી મૃતકે પત્નીના વિયોગમાં આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ ઓડિયો વાઈરલ થતા મૃતકે જરૂરી રકમની ઉઘરાણી સમયસર ન મળતા આ પગલું ભર્યું હોવનું જણાઈ રહ્યું છે.