મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગઈકાલે મોડી રાત્રે 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ નજીક પુરઝડપે આવતી BMW કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. હાલ થોરાળા પોલીસે કારચાલકની અટકાયત કરી છે. જેમાં આરોપી ડોક્ટર હોવાનું અને અકસ્માત સમયે તે નશામાં હોવાનું સામે આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે જાણવા મળતી વિગત મુજબ રૈયા ગામના 40 વર્ષીય જયંતિભાઈ રાઠોડ કોર્પોરેશનમાં ઢોર પકડવાનું કામ કરે છે. ગતરાત્રે તેઓ નોકરીએથી ઘરે પરત ફરી રહ્યાં હતા. તે દરમિયાન અમૂલ સર્કલ નજીક પુરપાટ ઝડપે આવતી BMW કારે હડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતની જાણ થતાં થોરાળા પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. 

તપાસ દરમિયાન BMW કાર લક્કીરાજ ભગવાનજી અકવાલિયા નામનો ડોક્ટર જ ચલાવતો હોવાનું સામે આવતા પોલીસે તેની અટકાયત કરી છે. આરોપી નશો કરેલી હાલતમાં કાર ચલાવતો હોવાથી આ અકસ્માત થયો હોવાનું પણ ડો. લક્કીરાજની પુછપરછમાં સામે આવ્યું છે. જેને લઈને પોલીસે પ્રોહીબિશન સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.