મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : આજે રાજ્યમાં 6 મહાનગરપાલિકાનું પરિણામ જાહેર થઇ રહ્યું છે. જેમાં રાજકોટમાં 72 પૈકી 68 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. તો કોંગ્રેસે 4 બેઠકો જીતી નાક બચાવ્યું છે. કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ અતુલ રાજાણી, જાગૃતિબેન ડાંગર તેમજ મનસુખ કાલરીયા પણ ચૂંટણી હારી જતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જાતે હારની જવાબદારી સ્વીકારીને રાજીનામું ધરી દીધું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યારે 'આપ'નો સંપૂર્ણપણે સફાયો થયો છે. જો કે હજુ 4 બેઠકોની ગણતરી બાકી છે. 

ભાજપની ભવ્ય જીત અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે, લોકો ભાજપની વિકાસની રાજનીતિથી સારી રીતે વાકેફ છે. તેમજ વિકાસને આગળ વધારવા માટે જ ભાજપને ફરીથી મોકો આપ્યો છે. આ તકે ભવ્ય જીત માટે રાજકોટની જનતાનો આભાર પણ તેમણે માન્યો હતો. સાથે જ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થવાનો દાવો પણ તેમણે કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કુલ 18 વોર્ડ અને 72 બેઠકો છે. જેમાંથી 36 બેઠક મહિલા માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ રાજકોટમાં કુલ 10, 94, 005 મતદારો હતા. જે પૈકી 5, 67, 002 પુરુષો, 5, 26, 984 મહિલા અને 19 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. રવિવારે 50 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. અને આજે મત ગણતરી થતા ભાજપનો ભવ્ય વિજય થયો છે.