મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ જિલ્લા પંચાયતની ચૂંટણીનાં ફોર્મને પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. જેમાં ભાજપ દ્વારા કસ્તુરબાધામ (ત્રંબા) બેઠક માટે ભુપત બોદરને ટીકીટ આપવામાં આવી છે. ભુપત સૌથી ધનિક હોવાની સાથે તેમના ઘરની બહાર લકઝરીયસ કારનો કાફલો છે. ભુપતનાં સોગંદનામામાં તેની પાસે લક્ઝરિયસ ગાડીઓ અને જેસીબી સહિત 70 લાખની કિંમતનાં વાહનો હોવાનું દર્શાવ્યું છે. જેમાં 25 લાખની એક ફોર્ચ્યુનર કાર, 30 લાખની એક સ્કોડા કોડિયાર્ક કાર અને 10 લાખની એક ઇનોવા કારનો સમાવેશ થાય છે. સાથે જ તેઓ ફિલ્મ પણ બનાવી ચુક્યા છે. 

રાજકોટ જિલ્લા પંચાયતની ત્રંબા બેઠકનાં ભાજપનાં ઉમેદવાર ભુપત બોદરે સોગંદનામામાં જણાવ્યા મુજબ તેઓ પાસે રોકડ રકમ, સોનાના દાગીના, અને જમીન સહિત કુલ રૂ. 29 કરોડની સંપત્તિ છે. હાલ તેઓ પાસે રોકડ 6 લાખ રૂપિયા છે, જ્યારે અલગ અલગ બેંકમાં રકમ સામેલ છે. તેમણે બાપા સીતારામ નામની ફિલ્મ પણ બનાવી હતી. ભૂપત બોદર અને તેમનાં પત્ની પાસે રૂપિયા 37 લાખની કિંમતનું 750 ગ્રામ સોનું હોવાનો ઉલ્લેખ પણ સોગંદનામામાં કરવામાં આવ્યો છે.

કસ્તુરબાધામ (ત્રંબા) બેઠકના ઉમેદવાર ભૂપત બોદર પર હજુ સુધી એકપણ ફોજદારી ગુનો દાખલ થયો નથી. ભૂપત બોદર અને તેમનાં પત્ની પાસે 37 લાખની કિંમતનું 750 ગ્રામ સોનું છે. તેમજ આ ઉપરાંત તેમની પાસે રાજકોટ, ભરૂચ અને મુંબઇમક મળી 15 જેટલી ખેતીની જમીન ઉપરાંત અમદાવાદ નજીક 14 જેટલી બિનખેતીની જમીન છે, જેની કિંમત કરોડો રૂપિયામાં છે. જો કે આ માટે તેમણે અત્યાર સુધીમાં 5 જેટલી બેંકો પાસેથી લોન લીધી હોવાનું પણ સોગંદનામામાં જણાવ્યું છે.