મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપે મજબૂત ટીમ બનાવવા કવાયત શરૂ કરી છે. જે અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે. ત્યારે આજે કાલાવડ રોડનાં સેફ્રોન પાર્ટી પ્લોટમાં આયોજીત સરપંચ સંવાદ કાર્યક્રમમાં પાટીલ આવી પહોંચ્યા હતા. જો કે આ કાર્યક્રમમાં કોરોનાને ખુલ્લું આમંત્રણ અપાતું હોય તેમ સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડયા હતા. તો કેટલાક લોકો માસ્ક વિના જ પહોંચતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ કાર્યક્રમમાં અલગ અલગ ગામોના મોટી સંખ્યામાં સરપંચો, જિલ્લા ભાજપના નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. અને કોરોનાકાળ છતાં પણ ભાજપે જન મેદની એકઠી કરી કોરોનાની ગાઈડ લાઈનનો સરેઆમ ઉલળીયો કર્યો હતો. જેને લઈને પાટીલ ભાજપને મજબૂત કરે છે કે કોરોનાને ? સહિત અનેક સવાલો લોકોમાં ઉઠયા હતા. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સરપંચ સંવાદ કાર્યક્રમ બાદ કુવાડવા રોડ ખાતે પાટીલની આગેવાનીમાં પેજ સમિતિ કાર્યકર્તા સંમેલન પણ યોજાયું હતું. 50 ફૂટ રોડ પર વિવાહ પાર્ટી પ્લોટમાં આયોજિત આ સંમેલનમાં પણ વિધાનસભા-68ના પેજ સમિતિ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. અને પાટીલે તેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે સંગઠાત્મક માર્ગદર્શન આપ્યું હતું. જો કે આ કાર્યક્રમમાં પણ સોશિયલ ડિસ્ટન્સનાં નિયમનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.