મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે હાલમાં જ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા કલેક્ટરને મળીને રજૂઆત કરી હતી કે સરકારમાંથી સૂચિત સોસાયટીના કામ મંજુર થઈ ગયા હોવા છતાં પુરા કરવામાં આવ્યા નથી. ફાઈલો તૈયાર છે પરંતુ સીટી સર્વે નથી થયો તેથી ધારાસભ્યોના કામ અટવાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના ઘણા ધારાસભ્યો સરકારી તંત્રમાં પોતાનું કોઈ સાંભળતું ન હોવાને લઈને નારાજગી વ્યક્ત કરતા રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આવી વારંવાર બુમો પડી રહી છે. સ્વાભાવીક છે કે આ સરકારી બાબૂઓ જો ધારાસભ્યોના જ અવાજને સાંભળતા ન હોય તો સામાન્ય વ્યક્તિને તો ચાવીને ખાઈ જાય તો પણ ઓડકાર ન લે એવી સ્થિતિ છે.

ગોવિંદ પટેલે પણ આ પ્રકારે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં ભાજપનાં જ ધારાસભ્યોનાં કામો સરકારી બાબુઓ કરતા ન હોવા બૂમો પડી રહી છે ત્યારે રાજકોટનાં ધારાસભ્ય ગોવિંદ પટેલે પણ પોતાનાં કામોની ફાઇલો તંત્ર સમક્ષ તૈયાર હોવા છતાં નિકાલ ન આવતા રજૂઆત કરવાનો વારો આવ્યો હતો.

આ પહેલા વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપતા રાજકીય માહોલ ઘણો ડહોળાયો હતો. ત્યારબાદ વડોદરા સર્કિટ હાઉસમાં ધારાસભ્ય કેતન ઇનામદારને મળવા માટે જીતુ વાઘાણી પહોંચ્યા હતા. બન્ને નેતાઓ વચ્ચેની બેઠક પૂર્ણ થયા બાદ કેતન ઇનામદારે સરકારને રાહત આપી હતી.