મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: સમગ્ર જીલ્લામાં કોરોનાની મહામારીએ ભયાનક ભરડો લીધો છે. જેને લઈને હોસ્પિટલમાં બેડ મેળવવા માટે લોકો મજબૂર બની ગયા છે. તેવા સમયે રાજકોટ જીલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિનું સમયસર વેન્ટીલેટર બેડ નહીં મળતાં ચાલુ વાહને જ મોત નિપજ્યું છે. ભાજપના આ અગ્રણી માટે અનેક ભલામણો થવા છતાં તેઓ સારવાર ન મેળવી શકયા તો કોઈ લાગવગ નહિં ધરાવતાં સામાન્ય લોકોની શું દશા થતી હશે તેવા સવાલ લોકો ઉઠાવી રહ્યા છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ, જીલ્લાના કોળી સમાજનાં આગેવાન તથા ગત ટર્મમાં રાજકોટ તાલુકા પંચાયત સભ્ય રહી ચુકેલા અને ગત ચૂંટણીમાં બેડલા જીલ્લા પંચાયત બેઠકમાં ભાજપમાંથી પોતાના પત્નિ સવિતાબેનને લડાવી જીતાડનાર ભરતભાઈ ગોહેલનું કોરોનાથી મૃત્યુ નીપજયુ છે. પારેવડાનાં વતની ભરતભાઈ ગોહેલનાં પારિવારિક મામાએ જણાવ્યું હતું કે, કોરોના વળગ્યા બાદ કુવાડવામાં જ સારવાર ચાલુ હતી. દરમિયાન ગઈકાલે વહેલી સવારે ઓકિસજન ઘટી જતા સરપંચ સહિતના આગેવાનોએ તાબડતોબ રાજકોટ ખસેડવાનું નકકી કર્યું હતું.


 

 

 

 

 

જોકે રાજકોટની હોસ્પીટલમાં સારવાર માટેનાં પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. ઓકસીજન ઘણુ ઘટી ગયુ હોવાથી વેન્ટીલેટર બેડ અનિવાર્ય થઈ પડયો હતો. રાજકોટમાં વેન્ટીલેટર તો ઠીક સાદો બેડ પણ ઉપલબ્ધ થઈ શકયો નહોતો. જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરને ફોન કરતાં તેઓએ સીવીલ હોસ્પીટલમાં ભલામણ કરી હતી પરંતુ તેમાં પણ ભરતી પ્રક્રિયામં સમય લાગે તેમ હોઈ ચાલૂ વાહને ઓકિસજન સીલીન્ડર સાથે ભટકતા રહ્યા હતા.

દરમિયાન સોરઠીયાવાડી સર્કલ નજીક એક નાનકડા દવાખાનાની લોબીમાં ગાદલુ પાથરીને રાખવાની સગવડ મળી હતી. જ્યાંથી પણ તબીબે તત્કાળ હોસ્પીટલમાં ખસેડવાની સુચના આપી હતી. ત્રંબામાં બેડ મળવાની શકયતા જણાતા વાહન હંકારવામાં આવ્યુ હતું. પરંતુ અધવચ્ચે ‘ના’ આવી જતાં વાહન પરત ફરવા લાગ્યા હતા. અને રસ્તામાં જ અંતિમ શ્વાસ લઈ લીધા હતા. ભરત ગોહેલ કોળી સમાજનાં અગ્રણી હોવા ઉપરાંત રાજકીય ક્ષેત્રે શકિતશાળી અગ્રણીની છાપ ધરાવતા હતા.

ભરતભાઈ 2015માં તાલુકા પંચાયતની ચૂંટણી કોંગ્રેસમાંથી લડયા હતા, અને જીત મેળવી હતી પછી ભાજપમાં જોડાઈ ગયા હતા. બે માસ પૂર્વે જીલ્લા પંચાયતની બેડલા બેઠક માટે ભાજપે તેમના પત્નિ સવિતાબેનને ટીકીટ આપી હતી. ત્યારે પણ આ બેઠક જીતીને તેમણે પોતાની રાજકીય તાકાતનો પરિચય આપતા તાલુકા પંચાયતના સંગઠનમાં પણ મહત્વનું સ્થાન આપવામાં આવ્યુ હતું. 35 વર્ષની યુવા વયે જ ભાજપ અગ્રણીનાં કોરોનાને કારણે મોત થતાં અરેરાટી છે જ પરંતુ તેનાથી વધુ આક્રોશ વેન્ટીલેટર કે સારવાર ન મળવાને કારણે મોત થવા સામે છે.