મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : ભાજપ દ્વારા મનપા ચૂંટણીનાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મોટા ભાગના જુના કોર્પોરેટરો કે જે ત્રણ ટર્મથી ટિકિટ મેળવી રહ્યા હતા તેમને ફરી રિપીટ કરાયા નથી અને તેમને બદલે અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં 25થી વધુ કોર્પોરેટરનું પત્તું કપાયું છે. પરંતુ પરિવારવાદનો વિરોધ કરતા ભાજપ પક્ષની રાજકોટનાં ઉમેદવારોની યાદીમાં પરિવારવાદ ડોકાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે સવારે જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું કે અમે પરિવાર સગા સંબંધિઓ, જુના ત્રણ ટર્મથી ટિકિટ મેળવતાઓ અને 60 વર્ષની વય વટાવી ચુકેલાઓને ટિકિટ ચયન પ્રક્રિયા દરમિયાન તેમને ટિકિટ આપવામાં આવી નથી. જોકે સી આર પાટીલે ના કહ્યા છતાં રાજકોટમાં પરિવારવાદ ડોકાયો હોવાનું સામે આવી રહ્યું છે.

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, વોર્ડ નંબર 7માં કશ્યપ શુકલના બદલે તેમના પરિવારનાં નેહલ શુકલને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 1માં પૂર્વ કોર્પોરેટર અંજનાબેન મોરજરીયાને બદલે ડો અલ્પેશ મોરજરીયાને ટિકિટ ફાળવી દેવાઈ છે. સાથે જ કોંગ્રેસમાથી આવેલા લાભુભાઈ ખીમાણીયાના પુત્ર હિરેન ખીમણીયાને પણ વોર્ડ નંબર 1ની ટિકિટ અપાઈ છે. આમ ઉમેદવારો રિપીટ ન કરવા અને અસંતોષને ખાળવા ભાજપે પરિવારવાદનો સહારો લીધો હોય તેવું લાગી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, વર્ષોથી પોતાના વિસ્તારમાં પ્રભુત્વ જમાવીને આગામી ચૂંટણીમાં જીત મેળવી મનપામાં સારી કમિટી અને પદ મેળવવાના ઓરતા રાખનારા સિનિયર દાવેદારોના સપના પર પાણી ફરી ગયું છે. જેને લઈને આવા સમયે શું કરવું અને શું ન કરવું તે વિચારી રહ્યાં છે. પોતાને ટિકિટ નથી મળતી તેવું સ્પષ્ટ થતાં જ આવા દાવેદારોએ પોતાના પરિવારના સભ્યોને ટિકિટ મળે તેવા પ્રયાસો કર્યા હતા. જેમાં કેટલાકને સફળતા મળી છે. જો કે આમ છતાં ભાજપે 60 નવા ચેહરાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જે ખરેખર સારી બાબત ગણી શકાય તેમાં સંદેહ નથી.