મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ભાજપનાં માજી પ્રમુખ સ્વ. ભીખાભાઈ વસોયાનાં પિતા શ્રી જસ્મતભાઈ પુંજાભાઈ વસોયાનું 72 વર્ષની ઉંમરે કોરોનાથી નિધન થયું છે. બુધવારે જ ગીરીરાજ હોસ્પિટલ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દોઢેક મહિના પહેલા જ તેમના પુત્ર ભીખાભાઈ વસોયાનુ પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. ત્યારે માત્ર દોઢ મહિનામાં પિતા-પુત્રનાં નિધનથી પરિવારમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, શહેર ભાજપનાં પૂર્વ પ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયર ભીખાભાઈ વસોયાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. સારવાર દરમિયાન તેમની તબિયત ખરાબ થતાં તેમને ચેન્નઈ લઈ જવા સુધીની ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ આ પહેલા જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. જેને લઈને શહેર ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ભીખાભાઈ વસોયાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ 25 દિવસની સારવાર લીધા પછી તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ તેમનું ઓક્સીજન લેવલ ઘટી જતાં તેઓ સારવાર હેઠળ જ હતા. અને કોરોનાનાં કારણે  તેમના ફેફસાંમાં સંક્રમણ વધી ગયું હોવાથી ગીરીરાજ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેઓ બીમારી સામેનો જંગ હારી ગયા હતા.