મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટ ભાજપમાં થોડા સમયથી ખટરાગ ચાલે છે. તેવા સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ આવ્યા છે. ગત 15 નવેમ્બરે જ ભાજપ સ્નેહમિલન કાર્યક્રમમાં રૂપાણી અને મોકરિયા વચ્ચે ખટરાગ થયો હોવાનું સામે આવ્યું હતું. સત્તા પરિવર્તન પછી પહેલીવાર સી આર પાટીલની રાજકોટ મુલાકાત વખતે તેમનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે જ્યારે તેઓ રાજકોટ આવ્યા છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી સુરત ગયા છે અને વજુભાઈ વાળા પણ બહારગામ છે. જોકે તેના કોઈ અન્ય કારણો હોઈ શકે છે પરંતુ રાજકીય ચોરામાં આ બાબતની પણ અનેક ચર્ચાઓ છે. 

રાજકોટ મુલાકત વખતે પાટીલ માટે ફૂલોની જાજમ, ફુલ વર્ષા, ડીજે, નારા અને હર્ષ ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટીલે આ મુલાકાત દરમિયાન પત્રકારોને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, વર્ષ 2014 પછીના સમયમાં ખેડૂતોના ખાતામાં 1,64,000 કરોડ જેટલી માતબર રકમ જમા કરાવી છે તેવું તેમણે કહ્યું હતું ઉપરાંત અન્ય એક વાતમાં તેમણે કહ્યું હતું કે, અંબરીશ ડેરને મેં આમંત્રણ આપ્યું નથી. પાટીદાર આંદોલનના 78 કેસ પણ પાછા લેવાશે તેવી પણ વાત તેમણે મુકી હતી. 

Advertisement


 

 

 

 

 

તેમણે આ ઉપરાંત ઈંડા નોનવેજ બાબતે કહ્યું હતું કે દેશમાં લોકોને જે ખાવું હોય તેની સ્વતંત્રતા છે, લોકો નોનવેજ પણ ખાઈ શકે છે, પ્રતિબંધ નથી લોકો વેચી શકે છે. તેમણે આ ઉપરાંત કહ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યોને હટાવવામાં આવશે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં નો રિપીટ થિયરી અપનાવવામાં આવશે. અધ્યાપકોની ભરતીકાંડમાં જે કોઈ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી થશે.

કૃષિ કાયદાઓ અંગે કહ્યું, વડાપ્રધાને કૃષિના ત્રણ કાયદા પાછા ખેંચીને ખેડૂતના હિત માટે પગલું ભર્યું છે, તેના માટે કામ કરીશું. દરેક અર્થનો અનર્થ કરવામાં આવ્યો નથી. મેં કોઈ અમરીશ ડેરને આમંત્રણ આપ્યું નથી. અંબરીશ ડેર પહેલા ભાજપમાં હતા. જોકે આ દરમિયાન તેમને માસ્ક અને સોશિયલ ડિસટન્સ અંગે પણ સવાલ કરવામાં આવ્યો હતો જેમાં તેમણે જવાબ આપ્યો હતો કે તેઓ આ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે અને ચર્ચામાં યોગ્ય લાગશે તે પ્રમાણે નિર્ણય કરાશે કે માસ્ક મરજીયાત કરવું કે કેમ.

રાજકોટ ભાજપમાં ખટરાગ અને જુથવાદ મામલે તેમણે કહ્યું કે, મારા કાર્યક્રમમાં પણ મારી સૂચના હતી કે મોટો કાર્યક્રમ નથી કરવાનો, ભાજપમાં કોઈ ખટરાગ નથી જુથવાદ નથી. કમલેશ મિરાણીની આગેવાનીમાં જ ચૂંટણી લડાશે અને કોઈ કોંગ્રેસના લોકોને લેવામાં આવશે નહીં. પાર્ટીના કાર્યકર્તાઓ જ સક્ષમ છે. ચૂંટણી જીતવા તમામ પડકારોનો સામનો કરી પાર્ટીને જીતાડવા કામે લાગવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આજે 20મીએ પાટીલના કાર્યક્રમને અગાઉથી જાહેર કરવામાં આવ્યો હતો પણ 15મીએ જ શહેર ભાજપે સ્નેહમિલન કાર્યક્રમ યોજી નાખ્યો જે પછી વરિષ્ઠ નેતાઓ વચ્ચે ખટરાગ થયો હતો. જે પછી ભાજપ પ્રમુખ પાટીલનો કાર્યક્રમ જ રદ્દ કરી દેવાની જાહેરાત કરવામાં આવી, પણ બાદમાં બધું થાળે પડ્યું. પાટીલની કાર્યકરો વચ્ચે સમય કાઢવા અને ભાજપના સભ્યો સાથે, ઉદ્યોગપતિઓ સાથે મુલાકાતો થશે. કાર્યક્રમ ઈમ્પીરિયલ હોટલે પર થશે, જે પછી હેમુ ગઢવી હોલ ખાતે મિલન થશે અને ત્યાં જ બ્રમ્હ સમાજનો કાર્યક્રમ પણ યોજાશે.
 

Advertisement