મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજકોટમાં આમ આદમી પર્ટી (AAP) દ્વારા ભાજપના એ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે જેમણે રાજકોટના 18 વોર્ડમાં ધરણાં પ્રદર્શનના કાર્યક્રમો કર્યા હતા. આ સાથે જ પાર્ટી દ્વારા આ કાર્યક્રમો સામે મુક પ્રેક્ષક બનીને હુકમનો ભંગ કરનારા અધિકારીઓ સામે પણ પગલા ભરવા લેખિત ફરિયાદ અરજી કરી હતી.

રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા 18 વોર્ડમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યા હોવાની વિગતો ત્યાંના સ્થાનીક સાંજના અખબારોમાં છપાયું હતું. રાજકોટમાં હાલમાં કોરોનાની સ્થિતિથી સહુકોઈ વાકેફ છે. રોજીંદા નવા કેસ અને મોતને લઈને તંત્ર સહિત લોકો પણ ચિંતામાં દિવસો કાઢી રહ્યા છે ત્યારે આ માહિતી સામે આવતા સહુ ચોંકી ઉઠ્યા હતા.

રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા આ સંદર્ભમાં ગુજરાત પોલીસ મહાનિર્દેશક, ગૃહ સચિવ, ગુજરાત હાઈકોર્ટ અને રાજ્યપાલને ટાંકીને એક અરજ કરવામાં આવી છે. પાર્ટીએ કહ્યું છે કે, રાજકોટમાં કોરોનાની સ્થિતિ દરમિયાન તમામ વોર્ડમાં આ પ્રકારના ભાજપના કાર્યક્રમથી સામાન્ય નાગરિકના જીવનું જોખમ ઊભું થઈ શકે તેમ છે. ધરણાં પ્રદર્શનની મંજુરી વિના યોજવામાં આવ્યા હોવાથી તથા સ્થાનીક પોલીસ તમામ આંદોલનના સ્થળો પર મુક પ્રેક્ષક બની હાજર રહેલી છત્તાં એક પણ કાર્યક્રમ તેમજ કાર્યકર્તાને અટકાવ્યા નથી કે અટકાયતી પગલા લીધા નથી. જેથી આમાં ગુનેગાર હોય તેમની સામે હુમના ગુના બદલ એપેડેમિક ડિસીઝ એક્ટ 1897 મુજબ તેમજ ગુજરાત એપેડેમિક ડિસીઝ કોવિડ 19 રેગ્યલેશન 2020 ની જોગવાઈ મુજબ કલમ 188 અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ થવો જોઈએ. તથા જે અધિકારીઓને તેની અમલવારી કરવાની હતી પરંતુ તેમણે નથી કરી તેમની સામે પણ તુરંત પગલા લેવાની અમે માગ કરીએ છીએ.