મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : આધુનિક યુગમાં પણ બાળ લગ્નની ઘટનાં અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરનાં ગોંડલ રોડ પર બરકતીનગરમાં એક પરિવારને ત્યાં બાળલગ્ન થતા હોવાની માહિતી સમાજ સુરક્ષા ખાતાને મળી હતી. જેને આધારે સમાજ સુરક્ષાનાં અધિકારીઓ દોડી ગયા હતા. અને દરોડો પાડી તપાસ કરતા બંનેની ઉમર 17 વર્ષની જ હોવાનું સામે આવ્યું હતું. જેથી પરિવારને સમજાવી બાળલગ્ન અટકાવવામાં આવતા બાબરાથી આવેલી જાન લીલા તોરણે પરત ફરી હતી.

જાણવા મળતી વિગત મુજબ, શહેરના લગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા ખાતાને માહિતી મળી હતી કે, ગોંડલ રોડ ઉપર ઢોલરીયા ચોકડી નજીક આવેલ બરકતીનગરમાં એક પરિવારને ત્યાં બાળલગ્ન થઈ રહ્યા છે. અને બંનેની ઉમર નાની છે તેવું જાણવા મળતા સમાજ સુરક્ષા અધિકારી મેહુલકુમાર ગોસ્વામી, બાળસુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસ સહિતના સ્ટાફે તાલુકા પોલીસની મદદ લઇ દરોડો પાડ્યો હતો.

આ દરમિયાન તપાસ કરતા જાન બાબરાથી આવી હોવાનું અને વરરાજાની ઉમર 17 વર્ષ હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં પ્રભુતામાં પગલાં માંડતી દીકરીની ઉમર પણ 17 વર્ષની હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે સમાજ સુરક્ષા વિભાગનાં સ્ટાફ દ્વારા બંનેના માતા-પિતા અને પરિવારને આ લગ્ન ગેરકાયદે હોવાની સાથે બાળકોનાં ભવિષ્ય માટે જોખમકારક હોવાનું સમજાવ્યું હતું. સાથે જ આ લગ્ન કરવા પર કાયદેસરની કાર્યવાહી થવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. જેને પગલે બંનેના પરિવારે આ વાતનો સ્વીકાર કરી લગ્ન મુલતવી રાખવાનું નક્કી કર્યું છે.