મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરનાં ગાંધીગ્રામ નજીકનાં લીંબુડીવાડીમાં ધોળે દિવસે ચિલઝાડપની ઘટના સામે આવી છે. જેમાં મંદિરેથી દર્શન કરીને આવી રહેલી એક મહિલાનું ગળું પકડી સરેઆમ સોનાના ચેઈનની ચિલઝડપનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ચેઈન તૂટી જતા ચિલઝડપ કરનારનાં હાથ લાગ્યો નહોતો. મહિલાએ બુમાબુમ કરતા આસપાસનાં શ્વાન ત્યાં દોડી ગયા હતા. પરંતુ સ્થાનિક લોકોએ ઘરની બહાર નિકળવાની તસ્દી લીધી નહોતી. જો કે લોકો એકઠા થઇ જવાની બીકે આરોપીએ એક્ટિવા મારી મૂક્યું હતું. સીએમ રૂપાણીનાં હોમટાઉનમાં બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થતા તેના શોકિંગ ફૂટેજને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચાલીને જતી એક મહિલા પાસે અચાનક એક યુવક આવી ચડે છે. અને તેણી કંઈપણ સમજે તે પહેલાં ગળામાંથી સોનાનો ચેઈન ઝૂંટવી લેવાનો પ્રયાસ કરે છે. જો કે આ મહિલા જોરજોરથી બુમાબુમ કરે છે જેને લઈને આસપાસનાં શ્વાનો દોડી આવે છે અને લોકો એકઠા થઇ જવાના ડરે ચિલઝડપ કરનાર યુવક એક્ટિવા લઈને નાસી છૂટે છે. ભોગ બનનાર મહિલા તેની પાછળ જવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમાં તેને સફળતા મળતી નથી. આટલી મોટી ઘટના બનવા છતાં આસપાસની એકપણ વ્યક્તિ આ મહિલાની મદદે આવી નહીં હોવાનું પણ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે.


 

 

 

 

 

ભોગ બનનાર મહિલાનાં જણાવ્યા મુજબ, હું રોજ સાડા છ વાગ્યે મંદિરે જાવ છું. હું લીંબુડીવાડી મેઇન રોડ પરથી પસાર થઇ રહી ત્યારે સ્કૂટર ઉભું રાખી એક શખ્સે મારૂ ગળુ દબાવી દીધું હતું. આથી હું અવાચક થઇ ગઇ હતી. ગળુ દબાવતા મારો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. આથી તે શખ્સે મારૂ ગળું ઢીલુ મૂક્યું હતુ. અને સોનાનો ચેઇન તૂટી ગયો હતો. સવારમાં રોડ પર કોઇ હતુ જ નહીં. આસપાસમાં રહેલા શ્વાનો દોડતા દોડતા આવી ભસવા લાગ્યા છતાં તે શખ્સને ડર લાગ્યો નહીં. જો કે બાદમાં મેં બુમાબુમ કરતા તે એક્ટિવા લઈ નાસી છૂટયો હતો.

આ સિવાય પણ ગતરાત્રે કરફ્યુ દરમિયાન કોઠારીયા રોડ પર પાંચથી વધુ દુકાનોના તાળા તૂટ્યા હતા. તો ગાયત્રીનગર રોડ પરની સાડીની દુકાનમાંથી રૂ. પોણા ત્રણ લાખથી વધુની ચોરી થવાની ઘટનાઓ પણ સામે આવી છે. જોગાનુજોગ આ ઘટનાઓ પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જો કે હાલ તો પોલીસે આ મામલે વધુ પૂછપરછ આદરી છે. તેમજ ટૂંક સમયમાં તમામ આરોપીઓ ઝડપાઈ જવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ત્યારે કોરોનાનાં કહેર વચ્ચે તસ્કરોનાં તરખાટને લઈને પોલીસ માથે બેવડી જવાબદારી આવી પડી છે.