મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સમિતિનાં બે સભ્યો અમરજીતસિંઘ અને ઇન્દ્રપાલ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. અને ગુજરાત કિસાન કોંગ્રેસની પત્રકાર પરિષદમાં તેમણે સંબોધન કર્યું હતું. અને કહ્યું હતું કે, ખેડૂતો આ કૃષિ કાયદાને મોત સમાન માને છે. એકતરફ સરકાર ખેડૂતોને અન્નદાતા કહે છે. બીજીતરફ આ જ સરકાર ખેડૂતોની વાત માનવા તૈયાર નથી. જો સરકાર જય જવાન જય કિસાન સૂત્રને માનતી હોય તો 26 જાન્યુઆરીએ અમને દિલ્હી જવાની પરવાનગી આપી દેવી જોઈએ.


 

 

 

 

 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 26 જાન્યુઆરીનાં રોજ અમે માત્ર શાંતિપૂર્ણ વિરોધ કરવા માંગીએ છીએ. આ આંદોલનનો અંત લાવવા માટે અમારી માંગ છે કે, કૃષિ કાયદો રદ કરી ખેડૂતોની કમિટીને સાથે રાખીને ફરીથી કાયદો બનાવવામાં આવે. સુપ્રિમ કોર્ટે બનાવેલી કમિટી પર ભરોસો નહીં હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે. સાથે જ સીએમ રૂપાણીને ઉદેશીને કહ્યું હતું કે, તેઓ ખરેખર માનતા હોય કે ગુજરાતનો ખેડૂત ખુશ છે તો આંદોલનની મંજૂરી કેમ નથી આપતા ? એકવાર આ મંજૂરી આપીને જુઓ કે ખરેખર ખેડૂત કેટલી મુશ્કેલી ભોગવી રહ્યો છે. ખેડૂતો આ કૃષિ કાયદાને મોત સમાન માની રહ્યાં છે.

અમરજીતસિંઘે વધુમાં જણાવ્યું હતું કે, આંદોલનને આગળ કેમ વધારવું તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આંદોલન પંજાબથી શરૂ થયું છે. દિલ્હી બોર્ડર પર અલગ અલગ રાજ્યોના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. હાલ રાજકોટના ખેડૂતો સાથે પણ બેઠક ચાલી રહી છે. જેમાં આગળની રણનીતિ નક્કી કરાશે. પરંતુ આ કાયદાઓથી મોંઘવારી વધવી નિશ્ચિત હોઈ સામાન્ય પ્રજાને પણ તેનો મોટો માર પડે તેમ છે. ત્યારે ખેડૂતો સિવાય લોકોએ પણ આગળ આવી કાયદાનો વિરોધ કરવો જરૂરી છે. આમ કરવાથી સરકાર કાયદા રદ્દ કરવા મજબૂર બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.