મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ શહેરના રૈયાધાર વિસ્તારમાં મોકરશી પરિવારના 175 લોકોને આંખમાં પાણી નીકળતી હોવાની ઘટના સામે આવી છે. દીકરાની સગાઇ પૂર્વે દાંડીયારાસનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનોને આંખમાં ઈન્ફેક્શન લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ લોકોની સારવાર કરવામાં આવી હતી. દીકરાની વાગ્દત્તાને પણ આંખમાં ઇન્ફેક્શન થયું છે.

મીડિયા સાથેની વાતચીતમાં આંખની હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, મોકરશી પરિવારના 175 લોકોને વહેલી સવારના પાંચ વાગ્યાથી લઈને સવારના નવ વાગ્યા સુધીમાં સારવાર આપવામાં આવી છે. દર્દીઓની આંખ પાણીથી સાફ કરાવીને આંખનાં ટીપાં નાખવામાં આવ્યા હતા. તમામ દર્દીઓને ઇન્ફેક્શન પ્રમાણે યોગ્ય સારવાર આપવામાં આવી છે. સારવાર બાદ 24 કલાકમાં આંખ પહેલા જેવી થઈ જશે. બીજી તરફ ગણતરીની કલાકોમાં જ પરિવારમાં સગાઈની વિધિ હોવાથી પરિવારજનો પરેશાન થયા છે.