મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી તેમજ રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજનો દેહ અંતે હિન્દુ વિધિ અનુસાર પંચમહાભૂતમાં વિલીન થયો હતો. આ પહેલા પુત્રીઓ સાથે મુખ્યમંત્રી અને અભયભાઈનાં અંગત મિત્ર વિજય રૂપાણીએ તેમને કાંધ આપી હતી. આ તકે સાંસદ મોહન કુંડારિયા, તેમજ શિક્ષણમંત્રી સહિતનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. અને ભાવભીની આંખે અભય ભારદ્વાજને અંતિમ વિદાય આપી હતી. 

ઉલ્લેખનીય છે કે, આ પહેલા તેમના અમીન માર્ગ પર સ્થિત નિવાસસ્થાને દેહને લોકોનાં દર્શન માટે એક કલાક સુધી રાખવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં અભય ભારદ્વાજનાં સંબંધીઓ અને મિત્રો ઉમટી પડ્યા હતા. આ સમયે પણ મુખ્યમંત્રી રૂપાણી પત્ની સાથે હાજર રહ્યા હતા. અને અભયભાઈનાં દેહની પ્રદક્ષિણા કરી હતી. જો કે ત્યારબાદ અંજલીબેન ભાવુક થઈ ગયા હતા. અને રૂપાણીએ તેમને સાંત્વના આપી હતી.