મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : અકસ્માતોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. ત્યારે શહેરના જાગનાથ પ્લોટમાં વધુ એક ગોઝારો અકસ્માત સામે આવ્યો છે. જેમાં જાગનાથ પ્લોટમાં એક કાર સાથેની ટક્કરમાં એક્ટિવામાં સવાર મહિલા કારનાં બોનટ પર ચડી ગયા બાદ રસ્તા ઉપર પટકાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થતા તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કાર પણ કોઈ મહિલા ચલાવતી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે આશ્ચર્યની વાત છે કે, આ અકસ્માત અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. 

સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કાર સાથે ટક્કર થયા બાદ એક્ટિવા સવાર મહિલા કારનાં બોનટ ઉપર ચડીને રસ્તા પર પટકાય છે. આ કારચાલકે એક્ટિવાને હડફેટે લેતા મહિલા ફૂટબોલની જેમ ફંગોળાઈ હોવાનું સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાંજના પાંચ વાગ્યા આસપાસ જાગનાથ પ્લોટ વિસ્તારમાં કાર ચાલકે એકટીવા મહિલા ચાલકને અડફેટે લીધાનો આ બનાવ બન્યો હતો. જેમાં ઇજા થતાં એક્ટિવા ચાલક મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેણીએ પોતાનું નામ ખ્યાતિ હોવાનું અને એક્ટિવા સ્લીપ થતા ઇજા થયાનું જણાવ્યું છે. ત્યારે હવે પોલીસ આ મામલે કેવી કાર્યવાહી કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.