મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રોજબરોજ રાજ્યમાં અનેક જગ્યાએ દારૂ પકડવાની ઘટના સામે આવતી હોય છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. ત્યારે રાજકોટમાં દારૂ ભરેલી ગાડીનો અકસ્માત થતાં દારૂ લેવા માટે લોકોની પડાપડી થઈ હોવાના દૃશ્ય સામે આવ્યા છે. 

મળતી માહિતી મુજબ, રાજકોટમાં જેતપુરના મોટા ગુંદાળા ગામે દારૂ ભરેલી કારનો અકસ્માત સર્જાયો હતો. ગઇકાલે બપોરના સમયે હાઈવે ઓથોરિટીનો એક ટ્રક રોડના સફાઈની કામગીરી કરતો હોવાથી ધીમે ધીમે ચાલતો હતો. તે સમયએ જેતપુર બાજુથી આવતી સ્કોડા રેપિડ જીજે-03-ડી-7119 નંબરની કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાઇ હતી. ટ્રક ચાલકે ટ્રક ઊભી રાખી કાર તરફ જોતાં તેમાં દારૂની પેટીઓ ભરેલી જોવા મળી હતી. 

અકસ્માત બાદ હાઇવે પરથી પસાર થતાં વાહન ચાલકોની નજર દારૂની બોટલ્સ પર પડતાં લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી અને હાઇવે પર દારૂની લૂંટ કરવા માટે પડાપડીના દ્રશ્ય સર્જાયા હતા. જેના હાથમાં જેટલી બોટલ આવી એટલી લઈને રફુ ચક્કર થઈ ગયા હતા. અકસમતની જાણ જેતપુર તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. જો કે પોલીસના આવતા પહેલા દારૂની લૂંટ થઈ જતાં પોલીસને માત્ર બે દારૂની પેટી મળી આવી હતી. દારૂની લૂંટ થઈ હોવાનું પોલીસને જાણ થતાં હાઇવે પર ચેકિંગ હાથ ધર્યું હતું.

Advertisement