મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : ACBએ સપાટો બોલાવ્યો છે. જેમાં શહેરના બહુમાળીભવન ખાતે સ્થિત GST વિભાગ-10નાં એક અધિકારીને લાંચ લેતા ઝડપી લીધો છે. આજે બપોરે બહુમાળી ભવન ખાતે આવેલી તેની કચેરીમાં રીફન્ડનાં કેસમાં લાંચ લેતા મનોજ મનસુખ મદાણી નામનો આ અધિકારી ઝડપાઈ ગયો હતો. જેને પગલે જીએસટી કચેરી સહિતની કચેરીઓનાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે..

રાજકોટ એસીબી પી.આઇ. સરવૈયાને રાજકોટની એક ખાનગી પેઢી દ્વારા ફરીયાદ કરાઇ હતી. જે અનુસંધાને આજે બપોરે 1 કલાકની આસપાસ પી.આઇ. સરવૈયા અને તેની ટીમ બહુમાળી ભવનમાં ચોથા માળે આવેલી જીએસટીનાં ઘટક-4ના યુનિટ નં.92 કચેરીમાં ત્રાટકી હતી. અને ઇન્ચાર્જ રાજય વેરા અધિકારી મનોજભાઈ મદાણીને રીફન્ડના કેસમાં માંગેલી રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ‘ડોકટર’ તરીકે ઓળખાતો મનોજ મદાણી છેલ્લા 6 માસ કરતા વધુ સમયથી બહુમાળનાં ચોથા માળે આવેલ જીએસટીની ઘટક-4ની કચેરીમાં રાજય વેરા અધિકારીના ચાર્જમાં હતો. એક પેઢીને વેટ ઓડીટ આકારણીનાં વર્ષ 2016-17ના કેસમાં રૂા.9 લાખ 70 હજારનું રીફન્ડ લેવાનું હતું. આ માટે ઇન્ચાર્જ રાજ્ય વેરા અધિકારી મદાણીએ રૂા. 20 હજારની લાંચ માંગતા વેપારીએ ACB માં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને તે ઝડપાઈ જતા ACB નાં અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.