મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરનાં 14 વર્ષીય થેલેસેમિયા ગ્રસ્ત એક બાળકને સીવીલ હોસ્પીટલની બ્લડ બેંકમાં HIV ચેપ વાળું લોહી ચડાવી દેવાયાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસ આગેવાન ડો. હેમાંગ વસાવડા ત્થા બાળકનાં પિતાએ આ અંગે જિલ્લા કલેકટરને અરજી કરી આ પ્રકરણમાં જવાબદારો સામે  ફોજદારી પગલા લેવા માંગ ઉઠાવી છે. બાળકના પિતાનો આરોપ છે કે, હોસ્પિટલની ગંભીર બેદરકારીને કારણે તેના પુત્રની જિંદગી કે જે થેલેસેમિયા હોવાને કારણે પહેલેથી જ મુશ્કેલ હતી, તેને બરબાદ થઈ ગઈ છે. આટલું જણાવતા તેઓ રડી પડ્યા હતા.

શહેરના આંબેડકરનગરમાં રહેતા બાળકના પિતાએ આ અંગે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, પુત્રને જયારે પણ બ્લડ ચડાવવામાં આવતુ બ્લડ સેમ્પલ લેવાની સાથે કેટલાક રિપોર્ટ કરાતા હતા. સાથે જ દર 6 મહિને HIV ટેસ્ટ પણ કરવામાં આવતો હતો. જે અંતર્ગત ગત તારીખ 4 જાન્યુઆરીનાં રોજ નિયમ પ્રમાણે પુત્રનો HIV ટેસ્ટ કરાયો હતો. આ ટેસ્ટનો રિપોર્ટ આવતા પુત્ર HIV પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને અમારા પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેવું લાગ્યું હતું.

સમગ્ર મામલે ડોકટરને પુછતા તેમણે HIV પોઝીટીવ બ્લડ ચડાવાયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે સ્પષ્ટ છે કે, સિવિલ હોસ્પિટલમાં બ્લડ ચડાવ્યા બાદ જ મારો પુત્ર HIV પોઝીટીવ બની ગયો છે. અને બ્લડ ચડાવનારની બેદરકારીને કારણે જ નાની ઉંમરમાં વધુ એક ગંભીર બીમારીનો ભોગ બનતા તેની જિંદગી પણ મુશ્કેલ બની ગઈ છે. જેથી આ કામના દર્શાવેલ તથા તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવાની માંગ પણ તેમણે કરી છે.